ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 25 ઑક્ટોબર 2021 (11:15 IST)

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં આજે માવઠાની આગાહી, આગામી ત્રણેક દિવસમાં લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી સુધી ઘટશે

માવઠાને કારણે કપાસ અને મગફળીના પાકને નુકસાનની ભિતી
શિયાળામાં કોરોના અને સ્વાઈનફ્લુનું સંક્રમણ વધવાની શક્યતાઓ
 
શિયાળાની ઋતુ ધીમા પગલે પગરવ માંડી રહી છે. દિવસે દિવસે ફૂલ ગુલાબી ઠંડીનો પ્રભાવ વધી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે રાજ્યના અમુક ભાગોમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં માવઠાની સંભાવનાઓ છે. તેની સાથે આગામી ત્રણેક દિવસમાં લઘુત્તમ તાપમાનમાં પણ બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. જેથી આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો અનુભવાશે.મોરબી અને ચોટીલામાં હળવો વરસાદ થતાં ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો ઝુંટવાય તેવી સ્થિતિ સર્જાઈ છે. 
 
આગામી ત્રણેક દિવસમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે
ઉત્તર પાકિસ્તાન તરફના વેસ્ટર્ન ડિર્સ્ટબન્સને કારણે હવામાન ખાતે આજે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દ્વારકા, ભાવનગર, કચ્છ તથા ઉત્તર ગુજરાતમાં અરવલ્લી સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ થવાની આગાહી કરી છે. રાજ્યના બાકીના ભાગોમાં વાતાવરણ સુક્કુ રહેશે. બીજી તરફ સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 21 અને મહત્તમ તાપમાન 33 ડિગ્રી રહેવાની શક્યતાઓ છે. આગામી ત્રણેક દિવસમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે.
 
આગામી પાંચ દિવસ વાતાવરણ સુક્કુ રહેશે
મેદાની વિસ્તારોમાં ફૂંકાયેલા પવનોની અસર ગુજરાતમાં પણ જોવા મળી છે. ઉત્તર ગુજરાત અને અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર, કચ્છ અને સંઘ પ્રદેશ દિવ તથા દમણમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. પશ્ચિમ તથા ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાવાને લીધે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છ સહિતના વિસ્તારોમાં વાતાવરણ સુક્કુ જોવા મળશે. આગામી પાંચ દિવસ સુધી આ વિસ્તારોમાં વાતાવરણ સુક્કુ જોવા મળશે. 
 
કપાસ અને મગફળી સહિતના પાકને નુકસાનનો ભય
સપ્ટેમ્બરમા વરસાડે ઘડબડાટી બોલવતા ખેડૂતોના પાકને પારાવાર નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. બીજી તરફ વરસાદે વિરામ લેતા શિયાળો શરૂ થયો છે. પરંતુ હજી પણ સતત માવઠાની આગાહી વચ્ચે ખેડૂતોની ચિંતાઓ ઓછી થઈ નથી. સૌરાષ્ટ્રમાં મગફળી અને કપાસના પાકને માવઠાને લીધે નુકસાન થવાની ભિતી છે. રાજકોટ જિલ્લાના ધોરાજી, વીરપુર, મંડલિકપુરમાં તેમજ મોરબી જિલ્લાના હળવદ, માળિયા તથા દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા સલાયાના ગ્રામ્ય પંથક ઉપરાંત કાંકરેજ તાલુકાના થરામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. 
 
કોરોના અને સ્વાઈનફ્લુ વકરી શકે
શિયાળાની સિઝન શરૂ થતાં જ આરોગ્ય વિભાગના નિષ્ણાંતોનું કહેવું છે કે કોરોના અને સ્વાઈનફ્લુ અંગે લોકોએ તકેદારી રાખવી જરૂરી છે. આ વખતના શિયાળામાં આ બંને સંક્રમણ વકરી શકે તેવી દહેશત છે. ગયા વર્ષે પણ દિવાળી પછી કોરોનાના કેસો ઝડપી વધ્યાં હતાં. જેની સંભાવના આ વખતે નકારી શકાય તેમ નથી. જો કે કેન્દ્ર કે રાજ્ય સરકારે હજી સુધી શિયાળાની કોરોનાને લગતી કોઈ ગાઈડલાઈન હજી સુધી આપી નથી. નવરાત્રિ પછી રાજ્યના મોટા ભાગના શહેરોમાં શરદી અને કફની ફરિયાદો વધી છે. ડેન્ગ્યુ અને ચિકનગુનિયા હાહાકાર મચાવી રહ્યાં છે. હાલમાં સિઝનલ કફ અને શરદીના દર્દીઓ વધી રહ્યાં છે. જેથી લોકોએ તકેદારી રાખવી જરૂરી બને છે.