1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 25 ડિસેમ્બર 2021 (07:58 IST)

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી પરીક્ષાનું પેપર હિંમતનગરથી લીક થયાનો આક્ષેપ

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી પરીક્ષાનું પેપર હિંમતનગરથી લીક થયાનો આક્ષેપ
ગુજરાતમાં ફરી એકવાર સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર લીક થયું હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રવિવારે લેવામા આવેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર હિંમતનગરથી શનિવારે જ લીક થયાનો આપ નેતા દ્વારા આક્ષેપ કરાયો છે. પેપર 10 થી 12 લાખ રૂપિયામાં વેચાયું હોવાનો અને 72 જેટલા ઉમેદવારો પાસે પહોંચ્યું હોવાનો પણ આપના નેતા દ્વારા દાવો કરાયો છે. મહત્વનું છે કે, રવિવારે લેવાયેલી હેડ કલાર્કની પરીક્ષા રાજ્યભરમાં દોઢ લાખ ઉમેદવારોએ આપી હતી. આપ દ્વારા પેપર લીક થયું હોવાનો આક્ષેપ કરાતા ખળભળાટ મચ્યો છે. આપના નેતા યુવરાજસિંહ દ્રારા આક્ષેપ કરવામા આવ્યો છે કે, હેડ કલાર્કની પરીક્ષાનું જે પેપર લીક થયું છે તે હિંમતનગરના ફાર્મહાઉસ પરથી કરવામા આવ્યું છે. હિંમતનગરના ફાર્મ હાઉસમાં રહેતા 16 પરીક્ષાર્થીઓ અને બે નિરીક્ષકોએ પેપર સોલ્વ કર્યાનો પણ દાવો કરવામા આવ્યો છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાયેલી હેડ કલાર્કની 186 જગ્યા માટેની પરીક્ષા રવિવારે રાજ્યના 6 સેન્ટરો પર યોજાઈ હતી. તમામ સેન્ટરો પર મળી કુલ દોઢ લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આપના નેતાએ દાવો કર્યો હતો કે, હેડ કલાર્કની પરીક્ષા રવિવારે બપોરે 12 વાગ્યાથી શરૂ થઈ હતી. પરંતુ, તેનું પેપર સવારે 10 વાગ્યાથી જ સોશિયલ મીડિયા પર ફરતું થયું હતું. રવિવારે યોજાયેલી હેડ કલાર્કની પરીક્ષાનું પ્રશ્નપત્ર ભાવનગર, સુરેન્દ્રનગર, વડોદરા, પ્રાંતિજ સહિતના 72 જેટલા વિદ્યાર્થીઓ પાસે પરીક્ષા પહેલા જ પહોંચી ગયાનો આક્ષેપ કરવામા આવ્યો છે. રવિવારે યોજાયેલી હેડ કલાર્કની પરીક્ષાનું જે પેપર લીક થયાનો દાવો કરવામા આવી રહ્યો છે તે અલગ અલગ શહેરોમાં 8 લાખથી લઈ 12 લાખ રૂપિયામાં વેચાયું હોવાનો આપ દ્વારા આક્ષેપ કરવામા આવ્યો છે.