ગુજરાતમાં સફારી પાર્કની વાતો વચ્ચે ગીર ફરવા ગયેલા સુરતના પ્રવાસીઓ વન્યજીવ સુરક્ષાના નામે લૂંટાયા  
                                       
                  
				  				  
				   
                  				  ગુજરાતમાં વિવિધ ચાર સ્થળો પર નવા ચાર લાયન, ટાયગર અને દીપડાના સફારી પાર્ક બનાવવાનો મહત્વનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. જેમાં ૪૦૦થી ૫૦૦ હેક્ટર જમીનમાં આ જંગલના રાજાઓ ખુલ્લામાં ફરશે. પ્રવાસીઓ બસમાં બેસીને તેને જોઈ શકશે. રાત્રીના સમયે તેઓને પાંજરમાં પૂરી દેવાશે. આ અંગે વનમંત્રી ગણપત વસાવાએ જણાવ્યું કે, ગુજરાત સરકાર અલગ અલગ સફારી પાર્ક બનાવશે. જેમાં ગાંધીનગરમાં ગિફ્ટ સિટીની સામે જંગલ ખાતાની પુષ્કળ જગ્યા છે. કુદરતી વાતાવરણ પણ છે. અહીં લાયન પાર્ક બનાવાશે. જ્યારે કેવડીયા ખાતે ટાયગર સફારી પાર્ક અને વાંસદામાં તથા સુરતના માંડવી ખાતે દીપડાઓનો સફારી પાર્ક બનાવાશે.
દિવાળી વેકેશન દરમિયાન સુરતથી ગીર અને અન્ય સ્થળોએ પ્રવાસ અર્થે ગયેલા પ્રવાસીઓને કડવો અનુભવ થયો હતો. ગોડાદરાના એક બિલ્ડર પરિવારને વાંદરાઓને પરેશાન કરો છો ? તેવા આક્ષેપ સાથે દંડ વસુલવાના બહાને વન વિભાગના કર્મચારીઓએ રૂ.૨૫૦૦૦ની માંગણી કરી રૂ.૮૦૦૦ દંડ પેટે પડાવી લીધા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ માત્ર સુરત પાસિંગની કારોને  જ નિશાન બનાવી તોડ કરવામાં આવતો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતા અને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા મૂળ ઉત્તર પ્રદેશના મહેશભાઈ પરિવાર સાથે દ્વારકા નગરીના દર્શન કરી તા.૧૧ નવેમ્બરે ગીર અભ્યારણ પહોંચ્યા હતા. સાંજે ૬-૩૦ કલાકે સુરત જવા અભ્યારણની બાઉન્ડરીની બહાર નીકળતાં જ તેમની દોઢ વર્ષ પૌત્રીએ ઉલ્ટી કરતા વાણીયાવાવ નજીક કાર થોભાવી પડી હતી.
સુરતથી નીકળતી વેળા એક પરિચિતે અભયારણ્ય નજીક કાર નહીં થોભાવવા તાકીદ કરી હતી કેમકે અગાઉ તેમને અનુભવ થયો હતો કે કાર થોભાવે તો વન્ય અધિકારીઓ વન્યજીવોને કનડગતના નામે તોડ પાડે છે.આથી તેમણે અભ્યારણની બહાર કાર અટકાવી બાળકીની ઉલ્ટી અને કપડા સાફ કરતા હતા ત્યારે વન વિભાગના બે કર્મચારી હાથમાં લાકડાના ફટકા સાથે ત્યાં આવ્યા હતા અને અહીં કાર કેમ અટકાવી ? તેવું પૂછી કાર રિવર્સ લેવા કહ્યું હતું.
બિલ્ડરે પરિસ્થિતિ સમજાવતા તેમની વાત માનવાને બદલે અમારા સાહેબ સીસીટીવી કેમેરામાં બધુ જુએ છે, માટે તમે પાછા ફરો એવી જીદ કરી લાકડાના ફટકા બતાવ્યા હતા. તે અરસામાં જ ચાર-પાંચ વાંદરા  કારની આજુબાજુ આવી ગયા હતા અને બાળ સહજ સ્વભાવે બિલ્ડરના બીજા પૌત્રે કેળુ વાંદરાને આપતા વન્ય કર્મચારીઓને તો જાણે જોઈતું તે મળી ગયું હતું. તમે વાંદરાને કેમ બોલાવ્યા ? હવે તો તમારે દંડ ભરવો જ પડશે તેવું જણાવી તેમણે કાર પાછી લેવા કહ્યું હતું. જોકે બિલ્ડરે તમે ગુનો નોંધો હું પછીથી હાજર થઈશ એમ કહી કાર ચલાવી દીધી હતી.
લગભગ દોઢ કિ.મી બાદ અધિકારીઓ જીપમાં આવ્યા હતા અને તમે કેમ ભાગી રહ્યા છો ? તેમ જણાવી ધમકી આપી હતી. સમગ્ર પરિસ્થિતિ અંગે જણાવવા છતાં અધિકારીઓ બળજબરીથી ઓફિસે લઇ ગયા હતા અને અઢી કલાક સુધી વિવિધ કારણોસર રોકી રાખી સમગ્ર પ્રક્રિયાનું વિડિયો રેકોડગ કર્યું હતું. જુદા-જુદા કેસમાં ફસાવવાની ધમકી આપી રૂ.૨૫૦૦૦  માંગ્યા હતા.બિલ્ડરે તમારે જેટલા પૈસા જોઈએ તે લી લો પણ અમને વહેલા છોડી દો,બાળકો ભૂખ્યા છે તેવી આજીજી કરી તમે જેટલા પૈસા લો તેની મને રસીદ આપજો એવું કહેતા અધિકારીઓનો પિત્તો ગયો હતો. અને પછી બિલ્ડર અને પરિવારને હેરાન કરવામાં કોઈ કસર છોડી ન હતી.
કાગળો બનાવવામાં સમય વેડફી રૂ.૮૦૦૦ લઈ તેની રસીદ આપી અધિકારીઓએ છેક રાત્રે ૮.૩૦ વાગ્યે તેમને જવા દીધા હતા. એક તરફ ગીરમાં સિંહના ગેરકાયદેસર દર્શન અને કનડગતના બનાવો છાશવારે બહાર આવે છે અને તે વન્ય કર્મચારીઓની સામેલગીરી વિના શક્ય નથી ત્યારે તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી ત્યાં જતા ખાસ કરીને સુરતના પ્રવાસીઓની સાથે ગેરવર્તન કરી પૈસા પડાવવાની માનસિકતા પર્યટન ઉદ્યોગને ભારે નુકશાન પહોંચાડશે.