ગુજરાત: આઈએએસ અધિકારી તરીકે ઓળખ આપી ઠગાઈ કરનારા આરોપીની ધરપકડ
ગુજરાત પોલીસે આઈએએસ અધિકારીનો સ્વાંગ રચીને લોકોને ઠગતા 29 વર્ષીય યુવકની ધરપકડ કરી છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈના રિપોર્ટ પ્રમાણે, આરોપીએ કોઈ સરકારી હોદ્દો ન હોવા છતાં અલગ-અલગ વિભાગના અધિકારી તરીકે ઓળખ આપીને નકલી એનઓસી તથા વર્ક ઑર્ડરની ફાળવણી કરી હતી. આ રીતે તેણે અનેક સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી હતી.
ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર જે.એમ. મકવાણાના કહેવા પ્રમાણે, આરોપી મેહુલ શાહ એંજિનિયર છે અને મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે બે શાળાઓનું સંચાલન કરે છે.
મેહુલ શાહ પર આરોપ છે કે તેમણે સરકારના ઉચ્ચઅધિકારી તરીકેની ઓળખ આપીને કાર ભાડે આપવાનો ધંધો કરતા પ્રતીક શાહનો સંપર્ક કર્યો હતો.
બનાવટી કાગળના આધારે ગાડીમાં પડદા અને સાયરન નાખવાનું કહીને કાર ભાડે લીધી હતી, પરંતુ ભાડું ચૂકવ્યું ન હતું. આ સિવાય ફરિયાદીના દીકરાને અમદાવાદની ડિસ્ટ્રિક્ટ ઍજ્યુકેશન ઓફિસમાં કમ્પ્યૂટર ઑપરેટર તરીકે નોકરી અપાવવાની લાલચ પણ આપી હતી.
આ સિવાય શાળાના ટ્રસ્ટી તરીકે ઓળખ આપીને રંગકામ કરાવડાવ્યું હતું, પરંતુ તેનું રૂ. સાતેક લાખનું ચૂકવણું નહોતું કર્યું.