શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદ , શનિવાર, 11 મે 2019 (10:04 IST)

હવામાન વિભાગ - ગુજરાતમાં મોસમનો મિજાજ બદલાયો, કેટલાક વિસ્તારોમાં વરસાદે ગરમીથી રાહત આપી

: દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં સર્જાયેલા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ગરમીમાં ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગે 11મી મેથી લઇ 15મી મે સુધી ઉત્તર પશ્ચિમ ભારતના મેદાન વિસ્તારોમાં આકાશમાંથી વીજળીના કડાકા સાથે વાવાઝોડા અને વરસાદ પડવાની આગાહી કરી છે. સરેરાશ મહતમ તાપમાન 40 ડિગ્રીથી નીચે જ નોંધાયું છે. આ ઉપરાંત બફારાનું પ્રમાણ પણ વધી ગયું છે. આ અસરને કારણે બનાસકાંઠા, અરવલ્લી અને સાબરકાંઠાના વાતાવરણ પલટો થતાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો છે.  પૂર્વોત્તર ભારત માટે હવામાન વિભાગે 12 થી લઇ 16મી મે સુધી ભારે પવન ફંકાવાની વચ્ચે વરસાદ પડવાની શકયતા વ્યકત કરી છે.
 
હજુ ગણતરીના દિવસો પહેલાં ઉત્તરાખંડમાં ચારધામના કપાટ ખૂલતા શ્રદ્ધાળુઓની ભારે ભીડ જામવા લાગી છે અને ગુજરાતમાં કાળઝાળ ગરમીમાંથી રાહત મેળવવા માટે લોકો હિમાચલ પ્રદેશ સહિતના ઠંડા પ્રદેશોમાં ફરવા જતા હોય છે ત્યારે હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહીને ધ્યાનમાં ચોક્કસ લેવી જોઇએ.
 
હવામાન વિભાગના જણાવ્યા મુજબ  ઉત્તર પશ્ચિમ ભારતમાં એક પછી એક 3 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પોતાની અસર દેખાડી રહ્યાં છે. તેના લીધે મેદાની વિસ્તારોની સાથો સાથ પહાડી વિસ્તારોમાં હવામાન સંપૂર્ણ રીતે બદલાઇ જશે. 11મી મેથી પહેલાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર દેખાડવાનું શરૂ થશે. તેના લીધે પશ્ચિમી રાજસ્થાનથી લઇ પંજાબ, હરિયાણા, દિલ્હી, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, હિમાચલ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરમાં વાદળો વધી જશે. કેટલીય જગ્યા પર વરસાદ પડશે અને સાથો સાથ કેટલીય જગ્યા એ વીજળી પણ પડી શકે છે તે દ્રષ્ટિથી બધાને એલર્ટ રહેવું પડશે.
 
બદલાતા વાતાવરણથી ઉત્તર પશ્ચિમ ભારતથી લઇ પૂર્વ ભારત અને મધ્ય ભારત સુધીના લોકોને ગરમીમાં રાહત મળશે. એક અંદાજો છે કે દેશના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી નીચે જશે. હવામાન વિભગના પૂર્વાનુમાન પ્રમાણે હરિયાણા, ચંડીગઢ અને દિલ્હીમાં 11મેના રોજ 30 થી 40 કિલોમીટર કલાકની ઝડપે વાવાઝોડું આવી શકે છે. તેની સાથે જ વરસાદ પડવાની શકયતા પણ છે. ત્યારબાદ 13મે અને 14મેના રોજ આ તમામ વિસ્તારોમાં ફરીથી 30 થી 40 કિલોમીટર કલાકની ઝડપે વાવાઝોડું અને વરસાદની શકયતા છે.
 
હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી 3થી 4 દિવસ ગુજરાતમાં કાળઝાળ ગરમી પડે તેની કોઈ જ સંભાવના નથી. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા-સાબરકાંઠા-અરવલ્લી, સૌરાષ્ટ્રના રાજકોટ, કચ્છમાં આગામી બે દિવસ હળવો વરસાદ પડે તેવી સંભાવના છે. આ વરસાદની સાથે 30થી 40 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઇ શકે છે. શુક્રવારે વલસાડ અને કચ્છના કેટલાક વિસ્તારમાં ધૂળની ડમરી સાથે પવન ફૂંકાયો હતો.