શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 22 ફેબ્રુઆરી 2017 (12:35 IST)

ગુજરાતમાં ભાજપના શાસનમાં ગુનાખોરી - બળાત્કાર, અપહરણ, લૂંટ અને ખૂનના કેસોમાં વધારો

રાજ્યના પાટનગરના તાલુકામાં ગુનાખોરીનો ગ્રાફ સતત ઉંચકાઇ રહ્યાંની સત્તાવાર માહિતી મુખ્યમંત્રી દ્વારા જ વિધાનસભા પ્રશ્નોત્તરીમાં આપવામાં આવી હોવાથી અહીં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના મુદ્દે દુધનું દુધ અને પાણીનું પાણી થઇ ગયાનો તાલ સર્જાયો છે. સત્તાવાર માહિતી પ્રમાણે ગાંધીનગરમાં બળાત્કાર, અપહરણ અને ઘરફોડીના બનાવ વર્ષ 2015ની સરખામણીએ વર્ષ 2016માં વધ્યાં છે.

જો કે ખૂનના ગુના ઘટ્યાં છે. દહેગામના ધારાસભ્ય કામીનીબા રાઠોડના પ્રશ્ન સંબંધે અપાયેલી માહિતી મુજબ વર્ષ ગાંધીનગર તાલુકામાં 2015માં ખૂનના 12, બળાત્કારના 4, અપહરણના 39 અને ઘરફોડ ચોરીના 76 બનાવ બન્યા તેની સામે વર્ષ 2016માં ખૂનના 8, બળાત્કારના 8, અપહરણના 53 અને ઘરફોડ ચોરીના 82 બનાવ પોલીસ ચોપડે નોંધાયા હતાં. દહેગામમાં વર્ષ 2015માં ખૂનના 9, બળાત્કારના 1, અપહરણના 9 અને ઘરફોડ ચોરીના 22 બનાવ બન્યા તેની સામે વર્ષ 2016માં ખૂનના 5, બળાત્કારના 0, અપહરણના 6 અને ઘરફોડ ચોરીના 21 બનાવ નોંધાયા હતા.

માણસામાં વર્ષ 2015માં ખૂનના 1, બળાત્કારના 2, અપહરણના 7 અને ઘરફોડ ચોરીના 16 બનાવ બન્યાસામે વર્ષ 2016માં ખૂનના 1, બળાત્કારના 0, અપહરણના 8 અને ઘરફોડ ચોરીના 13 બનાવ બન્યા હતાં. જ્યારે કલોલમાં વર્ષ 2015માં ખૂનના 8, બળાત્કારના 4, અપહરણના 35 અને ઘરફોડ ચોરીના 20 બનાવ નોંધાવાની સામે વર્ષ 2016માં ખૂનના 5, બળાત્કારના 3, અપહરણના 22 અને ઘરફોડ ચોરીના 18 બનાવ બન્યા હતાં. મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે ગુનાખોરી રોકવા માટે સઘન પેટ્રોલિંગ, વાહન ચેકિંગ, અસરકારક અટકાયતી પગલા, નાઇટ રાઉન્ડ, જાહેર સ્થળે પોલીસ પોઇન્ટ, લોક જાગૃતિ માટે મહોલ્લા સમિતિ દ્વારા પોલીસ લોકદરબાર, મહિલાઓને સ્વ રક્ષણની તાલીમ, શાળા-કોલેજ વિસ્તારમાં ખાનગી ડ્રેસમાં પોલીસની વોચ, મકાન ભાડુઆત અને ઘરઘાટીની નોંધણી સહિતની કામગીરી કરવા ઉપરાંત જાહેર સ્થળો અને સોસાયટીમાં સીસીટીવી કેમેરા લગાડવામાં આવે છે.