મંગળવાર, 12 ડિસેમ્બર 2023
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 5 ઑગસ્ટ 2023 (12:40 IST)

ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાનું રાજીનામું, કમલમમાં પ્રવેશબંધી મામલે મોટો ખુલાસો

Pradipsinh Vaghela's resignation
Pradipsinh Vaghela

ગુજરાતના રાજકારણના સમીકરણોમાં બદલાવનો પવન જોવા મળી રહ્યો છે. હવે ભાજપમાંથી પાટીલ જૂથના નેતાઓ ટાર્ગેટ બની રહ્યાં છે. એવામાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે, ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યું છે. છેલ્લા ચાર પાંચ દિવસથી રાજીનામાની ચાલી રહેલી ચર્ચા વચ્ચે છેવટે સમર્થન મળ્યું છે.છેલ્લા ઘણા વર્ષોથી ભાજપ સેવક તરીકે કામ કરી રહેલા પ્રદિપસિંહ વાઘેલા હવે ટાર્ગેટ થઈ રહ્યાં છે.

ગઈકાલે કમલમમાંથી વનવાસ અને પ્રતિબંધની ચાલેલી ચર્ચાઓ વચ્ચે આજે મોટો ખુલાસો એવો છે કે પ્રદેશ અધ્યક્ષની સુચનાથી સાત દિવસ પહેલા જ રાજીનામું આપી દીધુ છે. ભાર્ગવ ભટ્ટ બાદ વધુ એક અસરકારક નેતાનો ભોગ લેવાયો છે. તેમણે એક વાતચીતમાં કહ્યું હતું કે, હું અગ્નિ પરીક્ષામાંથી બહાર આવીશ. આ ઉપરાંત તેમણે કમલમમાં પ્રવેશબંધીની વાતને નકારતા કહ્યું કે, આ પ્રકારની વાતો સદંતર ખોટી આ પ્રકારની કોઈ પ્રવેશબંધીની કોઈ વાત થયેલી નથી. કમલમમાં આજે પણ જવાનો છું અને કાલે પણ જઈશ, એ મારું બીજું ઘર છે.

સુત્રો પરથી મળતી માહિતીમાં જાણવા મળ્યું છે કે, જમીન કૌભાંડને લઈ ભાંડો ફૂટતા રાજીનામું લેવાયું છે. પાર્ટીમાં કૌભાંડની અને અનેક બીજી ફરિયાદ મળી હતી, જેમાં અમુક પાર્ટીના નેતા અને કાર્યકરોને અવગણનાની ફરિયાદ પણ મળી હતી. ફરિયાદનો પોટલો દિલ્હી પહોંચ્યો અને રાજીનામું લઈ લેવા આદેશ આપ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.તેમણે પત્રિકા વિવાદ મામલે કહ્યું કે, મારા થકી પ્રદેશ અધ્યક્ષને પણ ટાર્ગેટ કરાઈ રહ્યાં છે. જે પત્રિકા વિવાદ સુરતમાં શરૂ થયું છે એવું જ પત્રિકા યુદ્ધ અમદાવાદમાં પણ ચાલી રહ્યું છે. હજુ આ પ્રકરણમાં મોટા માથાઓ સંડોવાયેલા છે. આ સિવાયના ઘણા નેતાઓ પણ પત્રિકા વિવાદ જોડાયેલા છે.

પ્રદિપસિંહ વાઘેલા માટે એવું કહેવાય છે કે, એમને પત્રિકા વિવાદ વિરુદ્ધમાં એસઓજીમાં ફરિયાદ કરી હતી. જેની તપાસ પણ ચાલી રહી છે. આગામી દિવસોમાં આ મામલે નવા નામો સામે આવાની સંભવાના છે. આ ઉપરાંત એવી ચર્ચાઓ પણ થઇ રહી છે કે ગુજરાત ભાજપમાં ચાલી રહેલી ખેંચતાણ પાછળ કોણ જવાબદાર છે આ સવાલનો જવાબ બધા જાણે છે પણ કોઈ બોલવા તૈયાર નથી.