મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By હેતલ કર્નલ|
Last Modified: બુધવાર, 4 જાન્યુઆરી 2023 (10:15 IST)

ગુજરાત મુલ્કી સેવા વર્ગ-૧ અને ૨ પરીક્ષાને લઇને બહાર પાડ્યું જાહેરનામું

exam
ગુજરાત જાહેર સેવા આયોગ ગાંધીનગર દ્વારા ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-૧ અને ૨ તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-૨ની પરીક્ષા તા.૦૮/૦૧/૨૦૨૩ના રોજ પ્રશ્નપત્ર-૧: સામાન્ય અભ્યાસ-૧ની પરીક્ષા સવારે કલાક ૧૦.૦૦થી કલાક ૦૧.૦૦ સુધી તથા પ્રશ્નપત્ર-૨: સામાન્ય અભ્યાસ-૨ની પરીક્ષા કલાક ૧૫.૦૦થી કલાક ૧૮.૦૦ સુધી અમદાવાદ શહેરમાં જુદા-જુદા પરીક્ષા કેન્દ્રો પર યોજાનાર છે. 
 
આ પરીક્ષા દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને પરીક્ષાર્થીઓ શાંત-ચિત્તે શુધ્ધ વાતાવરણમાં પરીક્ષા આપે અને પરીક્ષાનું સુચારૂ સંચાલન થઇ શકે તેમજ પરીક્ષા કેન્દ્રોની આસપાસના વિસ્તારમાં સુલેહ શાંતિ જળવાઇ રહે તે માટે અમદાવાદ શહેરના પોલીસ કમિશનર હકુમત હેઠળમાં નીચે મુજબના કૃત્યો કરવાનો પ્રતિબંધ ફરમાવવાનું પ્રવર્તમાન સંજોગોમાં આવશ્યક જણાય છે. 
 
આથી હું સંજય શ્રીવાસ્તવ, પોલીસ કમિશનર, અમદાવાદ શહેર, ગુજરાત રાજ્યના ગૃહ વિભાગના તા.૦૮.૧૧.૮૨ના નોટીફીકેશનનં.જીજી/ ૪૨૨/સીઆરસી/૧૦૮૨/એમ તથા ગૃહ વિભાગના તા.૦૭/૦૧/૧૯૮૯ના સંકલીત જાહેરનામા નં.જીજી/ફકઅ/૧૦૮૮/ ૬૭૫૦/મ, અન્વયે મને મળેલ સત્તાની રૂએ પરીક્ષા કેન્દ્રો તથા તેની ચોતરફ ૧૦૦ મીટરની ત્રિજયામાં આવેલ તમામ મકાનો, જગ્યા, સ્થળ, વિસ્તાર અને ઝેરોક્ષ સેન્ટર/દુકાનો માટે પરીક્ષા કેન્દ્રો તથા તેની ચોતરફ એક કિલોમીટરની ત્રિજ્યાનો વિસ્તાર પ્રતિબંધિત વિસ્તાર ફરમાવી તેમાં નીચે જણાવેલ કૃત્યો કરવાની મનાઇ ફરમાવું છું : 
 
(૧) પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં ચાર કે તેથી વધારે વ્યક્તિઓએ ભેગા થવા પર, (ર) પરીક્ષા કેન્દ્રોની આસપાસ ઝેરોક્ષ સેન્ટરો ચાલુ રાખવા પર. (૩) પરીક્ષા સ્થળની આજુબાજુ મોટા અવાજે લાઉડ સ્પીકર વગાડવા પર. (૪) પરીક્ષા સ્થળ પર સક્ષમ અધિકારી સિવાયના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકોએ મોબાઇલ અને અન્ય ઇલેકટ્રોનીક વિજાણુ ઉપકરણ લઇ જવા પર. (૫) પરીક્ષા સ્થળો પર પરીક્ષા સમય દરમ્યાન બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર. (૬) પરીક્ષા સ્થળો પર ગેરરીતી થાય તેવું કોઇપણ સાધન કે અનઅધિકૃત લેખન સામગ્રી લઇ જવા પર. (૭) પરીક્ષા કેન્દ્રોની આસપાસના વિસ્તારમાં જાહેર વાહન વ્યવહાર અવરોધાય તે રીતે વાહનો ઉભા રાખવા કે પાર્ક કરવા/કરાવવા ઉપર (૮) પરીક્ષા સ્થળે કોઇપણ પ્રકારનું હથિયાર લઈ દાખલ થવા ઉપર આ હુકમ ફરજ પરના પોલીસદળ તથા હોમગાર્ડના માણસો તથા પરીક્ષા અનુસંધાને ફરજ પરના અધિકારીઓ/કર્મચારીઓને લાગુ પડશે નહી. 
 
નોંધ:- ભારત સરકાર તથા ગુજરાત સરકારના COVID-19 ને અટકાવવા માટેના વખતો-વખતના હુકમોથી આપવામાં આવેલ આદેશો તથા માર્ગદર્શક સુચનાઓનો તમામે ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. આ હુકમ તા.૦૮.૦૧.૨૦૨૩ના સવારે કલાક ૦૮.૦૦ થી કલાક ૨૦.૦૦ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ/ઉલ્લંઘન કરનાર ભારતના ફોજદારી અધિનિયમ સને-૧૮૬૦ના અધિનિયમની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વયે અમદાવાદ કમિશ્નરેટમાં ફરજ બજાવતા સંયુક્ત પોલીસ કમિશ્નરશ્રીઓ/ અધિક પોલીસ કમિશ્નરશ્રીના દરજ્જાથી પો.સ.ઇ.સુધીના હોદ્દા ધરાવનાર તમામ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ઇપીકો કલમ ૧૮૮ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.