શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 22 જુલાઈ 2019 (18:30 IST)

દેશના ઇતિહાસમાં પહેલીવાર ખેડૂતોને રૂ. 2600 કરોડ પાક વીમો ચુકવાયો : રૂપાણી

મુખ્યપ્રધાન વિજય રુપાણીએ જણાવ્યું છે કે, પ્રધાનમંત્રી ફસલ પાક વીમા યોજના ખેડૂતોને સુરક્ષિત કરવા રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અમલી બનાવી છે ત્યારે આ દેશના ઇતિહાસમાં ગુજરાતમાં ૨૬૦૦ કરોડ રૂપિયા જેટલી રકમ ખેડૂતોને તેમના પાક વીમા પેટે તેમના ખાતામાં જમા કરી છે. મુખ્યપ્રધાન રૂપાણીએ જણાવ્યું કે પાક વીમાની ગણતરી ક્રોપ કટિંગને આધારે નિયત કરવામાં આવી છે અને તે ક્રોપ કટિંગને આધારે પાક વીમાની ગણતરી કરી રકમ ચૂકવવામાં આવે છે. તેમણે જણાવ્યું કે આ સરકાર ખેડૂતોની ચિંતા કરે છે એટલે ગઈ સાલ અનિયમિત ચોમાસુ હતુ અને કેન્દ્રના દુષ્કાળના નિયમો મુજબ પાંચ ઇંચ વરસાદ સુધી સબંધિત વિસ્તારો અછતગ્રસ્ત જાહેર કરવામાં આવે છે, પરંતુ આ સરકારે ૧4 ઇંચ વરસાદ થયો હોય તેવા વિસ્તારને વાસ્તવિક સ્થિતિ અને જે તે વિસ્તારના ખેડૂતોની રજૂઆતોને ધ્યાને લઇ તેને પણ અછતગ્રસ્ત જાહેર કરી રાજ્ય સરકારે ઇનપુટ સબસીડીના લાભ અછતગ્રસ્ત વિસ્તારના ખેડૂતોને આપ્યો છે. આવા 15 થી 15 લાખ ખેડૂતોને પાક વીમા સિવાય ઈનપુટ સબસીડી ચૂકવી લાભ આપવામાં આવ્યો છે.કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, જે વિસ્તારમાં ૫૦ ટકાથી વધુ વાવેતર જે પાકનું થયું હોય તેને મુખ્ય પાક ગણવામાં આવે છે અને તેને પાક વિમામાં સમાવી લેવાય છે. તેમણે વધુમાં જણાવ્યું કે, કેટલાક પાકો લાંબાગાળાના હોઇ વીમાકંપની દ્વારા ક્રોપ કટિંગની પ્રક્રિયાના સર્વે કરી પછી જ પાક વીમો ચૂકવે છે. કૃષિ મંત્રીએ જણાવ્યું કે, પાક વીમાના પ્રીમિયમ પેટે ટેન્ડરથી મળેલ કંપનીના પ્રીમિયમ દરમાંથી ખેડૂતો તરફથી ભરવામાં આવેલ પ્રીમિયમ દર બાદ કરી બાકી રહેલ પ્રીમિયમ દરમાં રાજ્ય અને કેન્દ્ર સરકારનો 50-50 ટકા હિસ્સો રહેલો છે. કૃષિ મંત્રીએ જણાવ્યું કે, તા.31-05-2019ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં 2017માં ખરીફ પાક માટે રાજ્ય સરકાર દ્વારા વીમા કંપનીને રૂ.13,92,70,05,896 રવિ ઉનાળુ પાક માટે રૂ.38,36,98,763, 2018માં ખરીફ પાક પેટે રૂ.13,35,30,02,493 તથા રવિ ઉનાળો પાક માટે રૂ.33,65,76,072 અને આટલી જ રકમ કેન્દ્ર સરકાર તરફથી પ્રીમિયમ સહાય પેટે ચૂકવવામાં આવી છે.કૃષિમંત્રીએ ચુકવાયેલા દાવાઓની વિગતો આપતા જણાવ્યું કે 2017માં ખરીફ પાક માટે એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ કંપની, ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની, ઈફ્કો ટોકયો જનરલ ઇન્શ્યોરન્સ કંપની તથા એસબીઆઇ જનરલ ઇન્સ્યોરન્સ કંપની એમ મળી કુલ રૂ.10,54,75,87,463 ચૂકવવામાં આવ્યા છે એ જ રીતે 2017માં રવિ ઉનાળુ પાક માટે ઈફ્કો ટોકયો જનરલ ઇન્સ્યોરન્સ કંપનીએ રૂ.14,56,72,365 ચૂકવવામાં આવ્યા છે. તેવી જ રીતે 2018ના ખરીફ પાક માટે એગ્રીકલ્ચર ઈન્સ્યુરન્સ કંપની, રિલાયન્સ જનરલ ઇન્શ્યોરન્સ કંપની, યુનિવર્સલ સોમ્પો જનરલ ઇન્શ્યોરન્સ કંપની તથા ભારતી એક્ષા જનરલ ઇન્શ્યોરન્સ કંપનીએ કુલ મળી રૂ.20,50,19,20,809 ચૂકવવામાં આવ્યા છે. દરમિયાન ગૃહમાં કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે જણાવ્યું હતું કે ખેડૂતોએ રવિ પાક માટે બે વર્ષમાં 5400 કરોડનું પ્રીમિયમ વીમા કંપનીને ભર્યુ હતું જ્યારે તેની સામે માત્ર 3149 કરોડ જ ચુકવવામાં આવ્યા હતા. આમ વળતર બાદ રૂ. 2480 કરોડનો ફાયદો વીમા કંપનીઓને થયો હતો. રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી પ્રીમિયમ લઈને વીમા કંપનીને ચુકવે છે વીમા માટે સરકારે ખાસ બજેટ ફાળવું જોઈએ.