મંગળવાર, 8 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 22 જુલાઈ 2019 (13:02 IST)

વિકટ પરિસ્થિતિઃ ગુજરાતમાં અત્યાર સુધી 26.99% વરસાદ, 204 ડેમોમાં માત્ર 18.49 ટકા પાણી

ગુજરાતમાં ચોમાસાની સિઝનને બે મહિનાનો સમય પુરો થવા આવ્યો પણ અત્યાર સુધી રાજ્યમાં માત્ર 26.99 ટકા જ વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ નોંધાયો છે. વરસાદના આંકડા પર નજર કરીએ તો રાજ્યના 251 તાલુકામાં જૂન અને જૂલાઈ મહિનામાં નોંધાયેલા વરસાદ મુજબ અત્યાર સુધી 220.24 મીમી વરસાદ નોંધાયો છે. લાંબા સમયના વિરામ પછી મેઘરાજાએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસવાનું શરૂ કર્યું છે. છેલ્લા 24 કલાકમાં કુલ 13.37 મીમી વરસાદ નોંધાયો છે. કચ્છમાં પણ દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. મધ્ય ગુજરાતમાં વડોદરા, નર્મદા, ભરૂચ, છોટા ઉદેપુર જિલ્લામાં પણ 1 ઇંચ સુધીનો વરસાદ થયો છે.
ચોમાસું શરૂ થયાને બે મહિના પૂર્ણ થવા આવ્યા છે. હવામાન ખાતાના આંકડા મુજબ 1 જૂનથી આજ સુધી ગુજરાતમાં વરસાદની 46 ટકાની ઘટ પડી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી વધુ 63 ટકા, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં 31 ટકા વરસાદની ઘટ છે. જ્યારે કચ્છમાં સૌથી વધુ 87 ટકા અને દ્વારકામાં 84 ટકાની ઘટ છે. આમ ગુજરાતમાં સરેરાશ 46 ટકા વરસાદની ઘટ છે. ગુજરાતમાં વરસાદની ભારે ઘટ નોંધાતા 204 ડેમોમાં માત્ર 18.49 ટકા પાણીનો જથ્થો છે. ખેડૂતોને પૂરતુ પાણી ન મળતા હોવાથી ચિંતાતુર બની ગયા છે. 
જો આવી જ સ્થિતિ બની રહેશે તો સ્થિતિ વધુ વિકટ બનશે. આંકડા મુજબ સૌરાષ્ટ્રના 139 ડેમોમાં 7.23 ટકા, કચ્છના 20 ડેમોમાં 8.53 ટકા, ઉત્તર ગુજરાતના 15 ડેમો 12.28 ટકા, દક્ષિણ ગુજરાતમાં 13 ડેમોમાં 16.59 ટકા અને મધ્ય ગુજરાતમાં 17 ડેમોમાં 44.21 ટકા પાણીનો જથ્થો શેષ છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાક રાજ્યમાં ભારે વરસાદ વરસી શકે છે. ગુજરાતમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં તાપી, સુરત, નર્મદા. જ્યારે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છમાં સૌથી વધુ વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં પણ વરસાદ ખેંચાઈ જતા તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. જેથી અસહ્ય ઉકલાટ અને બફારા વચ્ચે લોકો ગરમીથી પરેશાન છે. ત્યારે આગાહી મુજબ અમદાવાદમાં પણ વરસાદ પડી શકે છે.