1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 28 નવેમ્બર 2023 (12:34 IST)

ચીનમાં ફેલાયેલી ભેદી બીમારીથી ગુજરાત સરકાર એલર્ટ, કેન્દ્રનો પત્ર મળતાં જ છૂટ્યો આદેશ

Minister Rishikesh Patel
સમગ્ર વિશ્વમાં કોરોનાની દહેશત ચીનના વુહાનમાંથી જ ફેલાઈ હોવાની ચર્ચાઓ આજે પણ સાંભળવા મળી રહી છે. ત્યારે ચીનમાં બાળકોમાં જોવા મળી રહેલી ભેદી બીમારીને લઈને સમગ્ર ભારત દેશ એલર્ટ થઈ ગયો છે. ત્યારે ગુજરાત સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે. કેન્દ્ર સરકારની સૂચના મળતાંની સાથે જ રાજ્ય સરકારે હોસ્પિટલમાં જરૂરી બેડ, દવાઓ, સાધન સામગ્રી ઉપલબ્ધ કરાવવા સૂચના આપી છે.

રાજ્યના તમામ ઓક્સિજન પ્લાન્ટની કાર્યક્ષમતા અંગેનો રિપોર્ટ આપવા પણ જણાવાયું છે.તે ઉપરાંત તમામ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી સહિતનું ઓડિટ કરવા આદેશ આપવામાં આવ્યો છે. પૂર્વ તૈયારીના ભાગરૂપે વેન્ટિલેટર, PPE કીટનો સ્ટોક ઉપલબ્ધ રાખવા સૂચના પણ અપાઈ છે.

ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ચીનમાં ફેલાયેલી નવા પ્રકારની બીમારીથી હજુ સુધી કોઈ મૃત્યુ નોંધાયું નથી. ગુજરાતના નાગરિકોએ ચિંતા કરવાની જરૂર નથી. કોવિડ સમયે સૌ કોઈ ડરી ગયા છતાં આપત્તિમાંથી નીકળી ગયા છીએ. ફરીથી કોઈ આવી આપત્તિ આવે તેમ લાગતું નથી. આપત્તિ આવશે તો પણ એનો સામનો કરવા આપણે સૌ સજ્જ છીએ.

ચીનમાં વધુ એક રહસ્યમય બીમારીમાં લોકો સપડાઈ રહ્યા છે. જેમાં ખાસ કરીને બાળકો આ રોગની ચપેટમાં આવી રહ્યા છે. તેવામાં માયકોપ્લાઝ્મા ન્યુમોનિયા અને ઈન્ફલ્યુએન્ઝા ફ્લૂના કેસોને લઈને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનને પણ ચિંતા વ્યક્ત કરી છે અને ચીન સાથે સંબંધિત માહિતી માંગી છે. ચીનમાં બાળકોમાં શ્વસન સંબંધી બિમારી મામલે સરકાર સતત નજર રાખી રહી હોવાનું કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે. એક બાજુ શિયાળો અને કેટલાક રાજ્યોમાં વરસાદી વાતાવરણ હોવાથી એક પત્રમાં મંત્રાલયે તમામ રાજ્યના સબંધિત વિભાગને હોસ્પિટલોમાં હાલની આરોગ્ય સેવા પર સતત નિરીક્ષણ કરવા ખાસ જણાવાયું છે. મિશ્રઋતુને ધ્યાને લઇ વિશેષ ધ્યાન આપવા જણાવાયું છે. મંત્રાલય દ્વારા હોસ્પિટલમાં કેવી તૈયારી છે તે પણ જણાવવા કહ્યું છે. હોસ્પિટલમાં બેડ, માટે દવાઓ અને રસીઓ, મેડિકલ ઓક્સિજન, એન્ટિબાયોટિક્સ, PPE વગેરેની સુવિધા મામલે પણ જણાવાયુ છે.