ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 21 ડિસેમ્બર 2022 (12:07 IST)

Corona Virus- કોરોનાને લઈ ગુજરાત સરકાર એલર્ટ, આરોગ્ય મંત્રીએ અધિકારીઓની તાત્કાલિક બેઠક બોલાવી

છેલ્લા બે વર્ષથી કોરોનાનો કહેર સૌએ જોયો છે. લોકડાઉન અને સરકારની ગાઈડલાઈન વચ્ચે રહીને લોકોએ બે વર્ષ વિતાવ્યા છે. ત્યારે દૂર થયેલી કોરોનાની લહેર ફરીવાર દેખાડો દઈ રહી છે. સમગ્ર વિશ્વમાં કોરનાનો કહેર ફરીથી વર્તાવા માંડ્યો છે. ચીન સહિત જાપાન, અમેરિકા, કોરિયા અને બ્રાઝિલમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. કોરોના પ્રતિબંધોમાં છૂટ આપ્યા બાદ ચીનમાં સ્થિતિ વણસી છે. અહીં હોસ્પિટલોની બહાર  સંક્રમિતોની લાંબી લાઈનો લાગી છે. બેડ અને દવાઓ વિના દર્દીઓ તડપી રહ્યાં છે. ત્યારે  કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આજે દેશમાં કોવિડ-19ની સ્થિતિ અંગે અધિકારીઓ અને નિષ્ણાતો સાથે બેઠક કરશે. 

ત્યારે ગુજરાતના આરોગ્ય મંત્રી પણ અધિકારીઓ સાથે બેઠક કરશે.ગુજરાતના મુખ્યમંત્રી આજે વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિની શુભેચ્છા મુલાકાતે દિલ્હી પહોંચ્યાં છે. બીજી બાજુ ગુજરાતની કેબિનેટ બેઠક પણ આજે રદ કરવામાં આવી છે. આ દરમિયાન કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા માટે રાજ્યના આરોગ્ય મંત્રી અધિકારીઓ સાથે બેઠક યોજવાના છે. આ બેઠકમાં વર્તમાન આરોગ્યની સ્થિત સહિત કોરોના મુદ્દે ચર્ચા કરાશે. તે ઉપરાંત આરોગ્ય મંત્રી વિશ્વમાં વધતાં જતા કોરોનાના કેસ સહિત તેના નવા વેરીએન્ટ વિશે અધિકારીઓ સાથે ચર્ચાઓ કરશે. દેશમાં કોરોનાના કેસોને લઈને ક્ન્દ્રીય સચિવે તમામ રાજ્યોને પત્ર લખ્યો છે. કેન્દ્રીય સચિવ રાજેશ ભૂષણે લખેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, તમામ પોઝિટીવ કેસના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવા જોઈએ. જેથી કોરોનાના નવા પ્રકારોને શોધી શકાય. આ પત્રમાં સચિવે એવી ખાતરી કરવા રાજ્યોને જણાવ્યું છે કે, રોજ આવતા કોરોનાના કેસના પોઝિટિવ સેમ્પલ જેનોમ સિક્વન્સિંગ લેબોરેટરીમાં મોકલવામાં આવે. તેમણે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી તમામ મદદની ખાતરી પણ આપી છે.