રાજ્ય સરકારે કર્યો નિર્ણય, ઘરગથ્થુ ઉપચાર કરવા ઘર આંગણે જ મળી રહેશે ઔષધી
રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ દ્વારા ઔષધિય વનસ્પતિ રોપાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવનાર છે. ઘરગથ્થુ ઉપચાર કરવા ઘર આંગણે જ ઔષધી મળી રહે તેવો રાજ્ય સરકારનો પ્રયાસ છે. પોતાના ઘરઆંગણે કે સંસ્થાના કમ્પાઉન્ડમાં ઔષધીય વનસ્પતિના રોપા ઉછેરી ત્વરિત ઘરગથ્થુ ઉપચાર કરી શકાય છે. તે માટે ઉપયોગી વિવિધ ઔષધિય રોપાઓનું વિતરણ ગાંધીનગર અને અમદાવાદ ખાતે ચાર અલગ-અલગ સ્થળોએ કરવામાં આવનાર છે.
ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડનાં મુખ્ય કારોબારી અધિકારી ડો.જગદીશ પ્રસાદે યાદીમાં જણાવ્યુ છે કે, આ કાર્યક્રમમાં તુલસી, અરડુસી, નગોડ, ચંદન, અર્જુન સાદડ, પાનફુટી, બોરસલ્લી, લીલીચા, દમવેલ અને બીલી જેવા ઔષધીય રોપાઓનું વિતરણ કરી તેનો ઉપયોગ અને ફાયદા અંગે માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવશે.
તારીખ ૨૫ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ રવિવારે સવારે ૧૦ થી સાંજે ૬ વાગ્યા સુધી અમદાવાદમાં સોલા સિવિલ હોસ્પિટલ અને જાડેશ્વર વન ઓઢવ ખાતે ઔષધીય રોપ વિતરણ કરવામાં આવશે. તે ઉપરાંત તારીખ ૨૬ ઓગસ્ટના રોજ સોમવારે સવારે ૧૦ થી સાંજે ૬ વાગ્યા સુધી ગાંધીનગરમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ તથા ચ-૦ સર્કલ પાસે વન વિભાગ નર્સરીમાં ઓષધીય રોપ વિતરણ કરવામાં આવશે. વિનામૂલ્યે રોપ વિતરણ વહેલા તે પહેલાના ધોરણે કરવામાં આવશે અને સર્વે નાગરિકોએ લાભ લેવા મુખ્ય કારોબારી અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.