1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 7 ડિસેમ્બર 2021 (08:27 IST)

ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે અધિકારીને કહ્યું' ઘરે કોલ કરી કહી દો, તમે ઘરે નહીં પહોંચો, કોર્ટ તમને જેલ મોકલી રહી છે'

કોર્ટના આદેશના તિરસ્કાર મામલે કોર્ટ સમક્ષ હાજર થયેલા ભાવનગરના અધિકારીનો કોર્ટે ઉધડો લીધો હતો. સર્વિસ મેટર બાબતે કોર્ટના આદેશ પ્રમાણે તેનું પાલન ન તથા ચીફ જસ્ટિસ અરવિંદકુમારે અધિકારીને બોલાવી પોતાના ઘરે કોલ કરી, કોર્ટ તેમને જેલ મોકલી રહી હોવાની જાણ કરવા માટે કહી દીધું હતું. ગુજરાત હાઈકોર્ટની ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીની ખંડપીઠ સમક્ષ ચાલી રહેલા કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની સુનાવણી દરમિયાન એક્સિક્યૂટિવ એન્જિનિયર હાજર હતા. કોર્ટના આદેશનું પાલન ન થતાં ચીફ જસ્ટીસ અરવિંદકુમારે આકરા શબ્દોમાં નારાજગી દર્શાવી હતી. ચીફ જસ્ટિસે રોડ એન્ડ બિલ્ડિંગના અધિકારીને બોલાવી કહ્યું હતું કે, 'કોર્ટ તેમને આજે જેલમાં મોકલી રહી છે, જેથી તેઓ આજે ઘરે નહીં પહોંચી શકે, તે અંગે તેમના મોબાઈલથી તેમના ઘરે ફોન કરી જાણ કરી દે'. જો કે, તે બાદ સરકારી વકીલે તેમના વતી એક સપ્તાહમાં અરજદારને નિવૃત્તિના લાભ આપવાની ખાત્રી આપતા ઉદાર વલણ દાખવ્યું હતું.  સુનાવણી દરમિયાન એન્જિનિયર કાંઈ બોલ્યા ન હતા, તેમના વતી સરકારી વકીલે જ ચીફ જસ્ટિસના સવાલોના જવાબ આપ્યા હતા. જે અંગે ટકોર કરી કે, તેઓ મહત્વના હોદ્દા પર છે અને તેમને અંગ્રેજી બોલતા નથી આવડતું! આ કેસની માહિતી આપતા અરજદારના વકીલ મુકેશ મિશ્રાએ જણાવ્યું કે, ભાવનગર ખાતે રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગમાં રોજમદાર તરીકે 10 વર્ષ કામ કર્યા બાદ અરજદારને કાયમ કરવામાં આવ્યા હતા. જોકે કાયમી કર્મચારી તરીકેના લાભમાં 300 રજાનું વળતરનો લાભ આપવામાં આવ્યો ન હતો.  જેને લઇને ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરતા, કોર્ટે અરજદારની તરફેણમાં ચૂકાદો કર્યો હતો. જેને સુપ્રીમ કોર્ટમાં વિભાગે પડકાર્યો હતો. જોકે સુપ્રીમ કોર્ટમાં પણ વિભાગની અરજી રિજેક્ટ કરવામાં આવી હતી. જે બાદ અરજદારે કોર્ટના આદેશ છતાં તેમને વળતર ન ચૂકવવા બદલ રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની અરજી કરી હતી. આ મામલે હવે આગામી 16મી ડિસેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.