1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 7 મે 2022 (15:56 IST)

ગુજરાત હાઇકોર્ટના સિનિયર ન્યાયધીશ જસ્ટિસ જે.બી પારડીવાલા સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમાયા

Gujarat High Court Senior Judge
ગુજરાત હાઇકોર્ટના સિનિયર જજ જે.બી.પારડીવાલાની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક કરવામાં આવી છે. સત્તાવાર રીતે કેન્દ્ર સરકારના કાયદા વિભાગ દ્વારા નોટિફિકેશન જારી કરીને આ અંગે માહિતી આપવામાં આવી છે. આ અગાઉ ગુજરાત હાઇકોર્ટના સિનિયર જજ જે.બી.પારડીવાલાની સુપ્રીમ કોર્ટ કોલેજિયમે સુપ્રીમ કોર્ટના જજ તરીકે તેમની ભલામણ કરી હતી. જે માન્ય રાખવામાં આવી છે.

જસ્ટિસ જે.બી પારડીવાલાનો જન્મ મુંબઇમાં થયો હતો. જસ્ટિસ પારડીવાલાએ 1990માં ગુજરાતના હાઇકોર્ટમાં પ્રેક્ટિસની શરૂઆત કરી હતી. 1994માં તેઓ ગુજરાતની બાર કાઉન્સિલના સભ્ય તરીકે ચૂંટાયા હતા. વર્ષ 2002માં ગુજરાતના હાઇકોર્ટ માટે સ્ટેન્ડિંગ વકીલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 17 ફેબ્રુઆરી 2011ના રોજ ગુજરાત હાઇકોર્ટના જજ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેમના પિતા બુરજોર પારડીવાલાએ વલસાડ અને નવસારીના જિલ્લાઓમાં 52 વર્ષ વકીલાત કરી હતી.સુપ્રીમ કોર્ટમાં હાલ 32 જજ કાર્યરત છે. સુપ્રીમ કોર્ટ માટે મંજુર થયેલ કુલ જજની સંખ્યા 34 છે. એટલે કે હાલ કુલ સંખ્યાના સામે 2 જજની ઘટ છે. સાથે જ આવનાર દિવસોમાં સુપ્રીમ કોર્ટમાં હાલ કાર્યરત સિનિયર જ પણ નિવૃત્ત થવા જઈ રહ્યા છે. અગાઉ ગુજરાત હાઈકોર્ટમાંથી પૂર્વ ચિફ જસ્ટિસ, જસ્ટિસ વિક્રમનાથ, જસ્ટિસ એમ.આર.શાહ, જસ્ટિસ બેલાબેન ત્રિવેદી સુપ્રીમ કોર્ટના જજ તરીકે ચાર્જ સંભાળ્યો હતો.