ભૂમાફિયાઓને નાથવા માટે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એકટ સિમાચિન્હરૂપ પુરવાર થયો
મહેસૂલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યુ છે કે જમીન પચાવી પાડવાની પ્રવૃત્તિઓ ડામી દેવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે ત્યારે ગરીબ પરિવારોને ન્યાય મળે એ હેતુસર લેન્ડ ગ્રેબરો-ભુમાફિયાઓની શાન ઠેકાણે લાવવા તથા તેમને કડક સજા કરાવવા માટે લેન્ડ ગ્રેબિંગનો આ કાયદો રાજય સરકાર દ્વારા અમલી બનાવ્યો છે જેને વ્યાપક જન પ્રતિસાદ સાપડી રહ્યો છે. ખાનગી માલીકીની જમીનો ઉપરાંત સરકાર હસ્તકની સરકારી જમીનો અંગેના પણ ખોટા પુરાવાઓ ઉભા કરીને સરકારની જાણ બહાર ખુબજ કિંમતી જમીનો ખાનગી લોકોને વેચી મારવા તથા તેનો ઉત્તરોત્તર વેચાણો કરીને સરકારી જમીનો અંગે સરકાર વિરૂધ્ધ ખોટા પુરાવાઓ ઉભા કરીને જમીનો પચાવી પાડવા જેવી પ્રવૃતિઓ ઉપર નિયંત્રણ લાવવા રાજય સરકાર દ્વારા આવા અસમાજીક અને અનઅધિકૃત ગેરકાયદેસરની પ્રવૃતિઓ અટકાવવા માટે આ કાયદો બનાવાયો છે.
આજે ગુજરાત વિધાનસભા ખાતે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એકટ સુધારા વિધેયક રજૂ કરતા મહેસૂલ મંત્રીએ ઉમેર્યુ કે, સામાન્ય ખેડુતોની જમીન હડપ કરી ભુમાફિયાઓએ તેમને રાતા પાણીએ રોવડાવ્યા હોવાની કેટલીક ઘટનાઓ રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ધ્યાને આવી હતી. જેને અનુલક્ષીને રાજ્યના એકપણ ખેડૂતની કિંમતી જમીન કોઇ ભૂમાફિયો પચાવી ન પાડે તેવા હેતુથી તથા આવા ગુનેગારો-લેન્ડ ગ્રેબરો-ભુમાફિયાઓની શાન ઠેકાણે લાવવા તેમજ તેમને કડક પાઠ ભણાવવાના મક્કમ ઇરાદા સાથે આ કાયદો અમલમા છે એના વધુને વધુ ઝડપ સાથે લાભો ગરીબ પરિવારોને થાય એ માટે આ સુધારાઓ કરવાનો નિર્ણય કર્યો છે.
આ કાયદો અમલમાં આવ્યા બાદ રાજ્ય સરકારે કરેલી નોંધપાત્ર કામગીરીની વિગતો આપતા મંત્રીએ ઉમેર્યુ કે, ગુજરાત લેન્ડ ગ્રેબીંગ એકટ અન્વયે કુલ-૧૨,૩૪૨ અરજીઓ મળી છે, તે પૈકી ૧૦૧૪.૬૧ હેકટર જેટલી જમીન લગતની ૮૧૮ અરજીઓ કમીટી દ્વારા મંજુર કરવામાં આવી છે, જેમાં પ૮૬ એફ.આઈ.આર. દાખલ કરી રરપ૬ લોકોની સામે કાર્યવાહી કરવામાં આવી છે તેમજ ૩૩૬ કેસોમાં ચાર્જશીટ પણ ફાઈલ કરવામાં આવી છે.તેવી જ રીતે સરકારી જમીનમાં લેન્ડ ગ્રેબીંગ માટે કુલ ૪૯૯ અરજીઓ મળી છે, તે પૈકી ૬૯૪.૮૩ હેકટર જેટલી જમીન લગતની ૧૨૧ અરજીઓ કમીટી દ્વારા મંજુર કરવામાં આવી છે. જેમાં ૯૯ એફ.આઈ.આર. દાખલ કરી ૪૭૮ લોકોની સામે કાર્યવાહી કરવામાં આવી છે તેમજ ૪૮ કેસોમાં ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી છે.
મંત્રીએ આ સુધારા અધિનિયમ અંગેના હેતુઓ સ્પષ્ટ કરતા કહ્યુ કે, કેટલાંક ભુમાફીયા વિરૂધ્ધ આ અધિનિયમ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવતાં કાયદાની કેટલીક છટકબારીઓનો લાભ લઈ ગુનામાંથી છટકવા માટે નામદાર ગુજરાત હાઈકોર્ટનો આશરો લઈ મુળ અધિનિયમની કેટલીક કલમોને પડકારવામાં આવી છે. કાયદાની છટકબારીઓનો લાભ લઈને ગુનેગારો છટકી ન જાય તે હેતુથી મુળ અધિનિયમની કેટલીક જોગવાઈઓને રદ કરવા તથા ચાલુ જોગવાઈઓમાં કેટલાંક સુધારા કરવા જરૂર જણાતા હ્તા.
જે અનુસંધાને (૧) ગુજરાત જમીન પચાવી પાડવા ઉપર (પ્રતિબંધ) (સુધારા) વટહુકમમાં જે જમીનમાં અનુસુચિત આદિજાતી અને અન્ય પરંપરાગત વનવાસી (વન અધિકારો માન્ય કરવા બાબત) અધિનિયમ-૨૦૦૬ હેઠળ આવેલી અનિર્ણિત અરજીઓને આ એકટ હેઠળ મુક્તિ આપવી (૨) વિશેષ કોર્ટ સમક્ષ આવી અરજીઓ પ્રથમ દર્શનીય રીતે નિરર્થક હોય તો વિશેષ કોર્ટ તપાસ કર્યા વિના અરજી નામંજૂર કરશે તથા વિશેષ કોર્ટ સમક્ષ સાક્ષીને પોતાની લેખીત સંમતિ વગર બોલાવી શકાશે નહીં અને પુરાવો રજુ કરવામાં નિષ્ફળ જાય તો પક્ષકારો દ્વારા કે વિશેષ કોર્ટ દ્વારા ટીપ્પણીનો વિષય બનાવી શકાશે નહીં (૩) આ વટહુકમમાં અપીલ કોર્ટની હકુમત, કાર્યરીતી અને સત્તાઓ નિયત કરી છે (૪) વિશેષ કોર્ટ દ્વારા આપવામાં આવેલ ચુકાદાથી નારાજ થયેલ વ્યકિત નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ચુકાદો આવેલ તારીખથી ૩૦ દિવસની અંદર અપીલ કરી શકશે. પરંતુ નામ. ગુજરાત હાઈકોર્ટ ત્યાર પછીના ૬૦ દિવસ સુધી અપીલ કરવાની પરવાનગી આપી શકશે.
મહેસૂલ મંત્રીએ ઉમેર્યું હતું કે તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં આપણુ ગુજરાત સાચા અર્થમાં રોડ મોડલ અને વાઇબ્રન્ટ બન્યું છે ત્યારે ગુજરાત ભારત અને વિશ્વના પ્રવાસીઓ માટે મનપસંદ સ્થળ સાબિત થયું છે. નવસારીમાં દક્ષિણ આફ્રિકાથી બનાવટી નોટરી બનાવીને જમીનની છેતરપિંડી કરવાની બાબત પણ ધ્યાન ઉપર આવી છે. ગુજરાતમાં શ્રેષ્ઠકક્ષાની માળખાગત સુવિધા અને વેપાર ધંધાના પરિણામે જમીનની કિંમતો વધી હોવાથી જમીનો પચાવી પાડવાના કિસ્સા વધ્યા છે જેથી લેન્ડ ગ્રેબિંગ એકટ લાવવાની ફરજ પડી છે.
મંત્રીએ જણાવ્યું હતું કે આ કાયદાથી ભૂમાફિયાઓએ કોઈપણની જમીનમાં ગેરકાયદેસર પગ મુકતા પહેલા એક હજાર વખત વિચાર કરવો પડશે. આ કાયદાના અમલીકરણ બાદ અત્યાર સુધીમાં ગુજરાતમાં ભૂમાફિયા પાસેથી સરકારી અને ખાનગી જમીનો મળીને કુલ રૂ. 1075 કરોડની જમીનો છોડાવવામાં આવી છે. આ કાયદામાં કોઈ પણ છટકબારી રહી ન જાય તેવા ઉદ્દેશથી આ એક્ટમાં સુધારા કરવામાં આવ્યા છે તેમ મંત્રીએ ઉમેર્યું હતું. આ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ), ૨૦૨૨નું સુધારા વિધેયક ગુજરાત વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે પસાર કરવામા આવ્યુ હતુ.