શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 24 ફેબ્રુઆરી 2021 (11:06 IST)

ગુજરાતમાં જિલ્લા અને તાલુકા પંચાયતોના ચૂંટણી પરિણામો કોંગ્રેસના પ્રદેશ પ્રભારી અને નેતાઓના ભાવિ નક્કી કરશે

રાજ્યમાં છ માંથી પાંચ મહાનગર પાલિકાઓમાં કોંગ્રેસના શહેર પ્રમુખોએ રાજીનામાં આપ્યાં
 
અમદાવાદમાં હવે કોંગ્રેસના બે ધારાસભ્યોના માથે હારનું ઠીકરુ ફોડવા કાર્યકરોએ તૈયારીઓ કરી
 
 
મહાનગરપાલિકા બાદ જિલ્લા અને તાલુકા પંચાયતોના ચૂંટણી પરિણામો કોંગ્રેસના પ્રદેશ પ્રભારી અને નેતાઓના ભાવિ નક્કી કરશે. આ ચૂંટણીઓ પ્રદેશ કોંગ્રેસના નેતાઓ માટે આખરી ચૂંટણી બની રહેશે. કેમ કે, ચૂંટણી પરિણામોમાં કોંગ્રેસ સારો દેખાવ નહી કરે તો, પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીની વિદાય લગભગ નક્કી છે. વિધાનસભાની પેટાચૂંટણીમાં આઠેય બેઠકો પર કોંગ્રેસનો કારમો પરાજય થયો હતો. તે વખતથી જ કોંગ્રેસ હાઇકમાન્ડ પ્રદેશ કોંગ્રેસના નેતાઓથી ભારોભાર નારાજ છે.
કોંગ્રેસના કાર્યકરોએ જ ટિકિટો વેચાઈ હોવાનો આક્ષેપ કર્યો હતો
પેટાચૂંટણી વખતે જ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ તો નૈતિક જવાબદારી સ્વિકારી રાજીનામા હાઇકમાન્ડને મોકલી આપ્યા હતાં જે સ્વિકારાયા ન હતાં. જોકે, સાતવ,અમિત ચાવડા અને પરેશ ધાનાણીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સારો દેખાવ કરવા વધુ એક તક અપાઇ હતી. પણ કોંગ્રેસમાં કોઇ ઝાઝો ફરક પડયો ન હતો. મહાનગરપાલિકાની ચૂંટણીમાં જ કોંગ્રેસના નેતાઓ પારદર્શક રીતે ટિકિટની વહેંચણી કરવાને બદલે રીતસર ભાગબટાઇ કરી હતી. ખુદ કોંગ્રેસના કાર્યકરોએ લાખો રૂપિયામાં ટિકિટો વેચાઇ હોવાનો આક્ષેપ કર્યો છે.
કોંગ્રેસના માળખામાં ધરમૂળમાંથી ફેરફાર કરાશે
ઉમેદવાર નક્કી કરવામાં પ્રદેશ નેતાઓ એવી ગોઠવણો પાડી કે, કાર્યકરોનો રોષ જોતા ઉમેદવારોની યાદી પણ જાહેર કરી ન હતી. અમદાવાદમાં રકાસ મળ્યા બાદ હવે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર અને ધારાસભ્ય હિમતસિંહ પટેલના માથે ઠિકરૂ ફોડવા કાર્યકરોએ તૈયારીઓ કરી છે. ટિકિટોની વહેંચણીમાં ભરત સોલંકીએ પણ ખુબ જ દરમિયાનગીરી કરી હોવાનો આક્ષેપ છે ત્યારે પરિણામ બાદ તેમની નેતાગીરી ય જોખમમાં છે. ચૂંટણી પરિણામ કોંગ્રેસના વિરૂદ્ધ આવશે તો રાજીવ સાતવ,અમિત ચાવડા અને પરેશ ધાનાણીનું રાજીનામુ સ્વિકારાશે. કોંગ્રેસના માળખામાં ધરમૂળમાંથી ફેરફાર કરાશે.
પ્રદેશ પ્રમુખ ચાવડાએ પરાજય સ્વીકાર્યો
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જનાદેશ સ્વીકારીને કહ્યું હતું કે ભલે હાર્યા પણ હજુ એમાંથી શીખ લઈને આવનારા સમયમાં ફરી વિજય માટે, લોકોની સેવા માટે, લોકોના હક અને અધિકારોની લડાઈ લડવા માટે કોંગ્રેસનો કાર્યકર તૈયાર છે. કોંગ્રેસનો કાર્યકર હંમેશા સંઘર્ષમાંથી કંઈક શીખ્યો છે. ત્યારે આ પરાજયમાંથી પણ અમે શીખ લઈશું. અને લોકોના પ્રશ્નોને ઉઠાવતાં રહીશું. આ ચૂંટણીની પ્રક્રિયા દરમિયાન જે પણ કાર્યકર્તાઓએ મહેનત કરી છે. જે પણ આગેવાનોનું માર્ગદર્શન મળ્યું છે.એ તમામનો આભાર માનું છું. સૌથી મોટો આભાર છ મહાનગર પાલિકાના મતદારોનો માનું છું. જેમણે અનેક લોભ લાલચો, સામ,દામ,દંડની નીતિ સામે પણ મક્કમતાથી અમારા જે પણ ઉમેદવારોને વિજયી બનાવ્યા છે, જે પણ ઉમેદવારને મત આપ્યો છે.
પરિણામ બાદ પાંચ શહેરોના નેતાઓએ રાજીનામા આપ્યાં
છ મહાનગર પાલિકાના પરિણામોમાં કોંગ્રેસનો સફાયો થતાં પાંચ શહેરોના નેતાઓએ રાજીનામા આપી દીધાં હતાં. અમદાવાદમાં શહેર કોંગ્રેસ પ્રમુખ શશીકાંત પટેલે પાર્ટી વિરૂદ્ધ કામ કરનારા લોકોને સસ્પેન્ડ કર્યા બાદ પોતે પણ રાજીનામુ ધરી દીધું હતું. જ્યારે રાજકોટમાં કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે પણ પરાજયનો સ્વીકાર કરીને રાજીનામું આપ્યું હતું. સુરતમાં બાબુભાઈ રાયકા તથા ભાવનગરમાં પ્રકાશ વાઘાણી અને વડોદરામાં પ્રશાંત પટેલે પણ રાજીનામું આપ્યું હતું. માત્ર જામનગર એક એવું શહેર છે કે જ્યાં કોંગ્રેસ પ્રમુખે રાજીનામું આપ્યું નથી.