શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 29 એપ્રિલ 2017 (12:35 IST)

અમદાવાદ પોલીસના ગુજરાત યુનિવર્સિટી સાથે સમજૂતિ કરાર: રૂ.18.5 કરોડના ખર્ચે થશે મીની પોલીસ હેડક્વાટર

ગુજરાત સ્થાપના દિવસ પ્રસંગે રાજ્ય સરકાર દ્વારા યોજાનાર વિવિધ કાર્યક્રમ અંતર્ગત પોલીસ વિષયક કાર્યક્રમોની માહિતી આપવા શહેર પોલીસ કમિશનર એ કે સિંગ દ્વારા પત્રકાર પરિષદ નું આયોજન કર્યું હતું. આ પ્રસંગે શહેર પોલીસને ગુજરાત યુનિવર્સિટી સાથે રિસર્ચ કામમાં વિદ્યાર્થીઓની મદદ મળી રહે તે માટે ફોરેન્સિક સાયન્સ ડિપાર્ટમેન્ટ સાથે એમઓયુ પણ સાઈન કર્યું હતું.

એમઓયુ બાદ ફોરેન્સિક સાયન્સ ડિપાર્ટમેન્ટના એલઈડી ડો. કપિલ કુમાર તથા વિદ્યાર્થીઓ દ્વારા ફક્ત ત્રણ મહિનામાં વિકસાવાયેલી મિથેનોલ ડિટેક્શન કીટ પણ પોલીસને સુપ્રત કરી હતી. આ કીટની મદદથી કાગળની એક પાતળી પટ્ટીથી જ બે મિનિટના સમયમાં મિથેનોલનું પ્રમાણ જાણી શકાશે. લઠ્ઠાકાંડ જેવા બનાવ અટકાવવા આ પ્રકારની કીટ ખૂબ ઉપયોગી થઈ શકશે તે ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર એચ એ પંડ્યાએ જણાવ્યું હતું. શહેર પોલીસ કમિશનર એ કે સિંગ તા. 30મીના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે યોજાનાર નવી પોલીસ કમિશનર કચેરી, પોલીસ આવાસ, પોલીસ મહાનિર્દેશક (જેલ), તાલીમ સુવિધા સાથેના જેલ આવાસ વગેરેની માહિતી આપવાની સાથે જણાવ્યું હતું કે, શહેરમાં વર્તમાન પોલીસ વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા શહેરના પૂર્વ વિસ્તાર ગોમતીપુરમાં આવેલી અમદાવાદ કોટન મિલ-2માં 35 હજાર વર્ગમીટર વિસ્તારમાં મીની પોલીસ હેડક્વાટર બનાવામાં આવ્યું છે જેનું પણ મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. આ હેડક્વાર્ટરમાં ટ્રેનિંગ ગ્રાઉન્ડ, વિદ્યાભવન, પોલીસ ક્વાટર્સ, રિઝર્વ ફોર્સીસ માટે છ બેરેક, આધુનિક શસ્ત્રાગાર, ક્વિક રિસ્પોન્સ ટીમના વાહનો રાખવા માટેની જગ્યા સહિતની સુવિધાઓ રૂ 18.5 કરોડના ખર્ચે ઊભી કરવામાં આવી છે.