શનિવાર, 7 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : રવિવાર, 29 જાન્યુઆરી 2023 (09:24 IST)

ગુજરાત: જુનિયર ક્લાર્કનુંં પેપર લીક, પરીક્ષા રદ- રાજ્યમાં ફરી એકવાર ફૂટ્યો પેપર બોમ્બ, ઉમેદવારોમાં આક્રોશ, ક્યારે અટકશે આ સિલસિલો

રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષોથી પેપર ફૂટવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. આ સિલસિલો 2014 થી ચાલી રહ્યો છે. 2014 માં ચીફ ઓફિસરનું પેપર ફૂટ્યું હતું ત્યારબાદ 2015 માં તલાટીની પરીક્ષાનું પેપર, 2018 માં મુખ્ય સેવિકા અને નાયબ ચિટનીસ અને લોક રક્ષક દળની પરીક્ષાનું પેપર ફૂટ્યું હતું. જ્યારે 2019 માં બિન સચિવાલય ક્લાર્ક અને ત્યારબાદ 2021 હેડ ક્લાર્ક અને 2022 માં વનરક્ષકનું પેપર ફૂટ્યું હતું. જ્યારે હવે નવા વર્ષની શરૂઆતમાં 2023 માં આજે ફરી એકવાર જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયું છે. જેને પગલે પરીક્ષા રદ કરવામાં આવી છે. 
 
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આજે સવારે 11:00 થી 12:00 વાગ્યા દરમિયાન જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાનાર હતી. જેનું પેપર વડોદરા થી લીક થયાના સમાચાર મળતાની સાથે જ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તાકીદની અસરથી પરીક્ષા રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતની સાથે જ રાજ્યમાં આજે પરીક્ષા આપનાર 9 લાખ ઉમેદવારોની મહેનત ઉપર પાણી ફરી વળતા ઉમેદવારોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. 
 
જુનિયર ક્લાર્ક ની પરીક્ષા માટે 9,53,000 ઉમેદવારો પરીક્ષા આપવાના હતા દરમિયાન આજે વહેલી સવારે વડોદરાથી પેપરનો અમુક ભાગ લીક થયો હોવાની જાણ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જાણ થતાં પરીક્ષા રદ કરવાની ફરજ પડી છે. પરીક્ષા હોવાના કારણે લાખો ઉમેદવારો પરીક્ષા કેન્દ્રો ખાતે પહોંચવા માટે રાતથી રવાના થઈ ગયા હતા. ત્યારે એકાએ પરીક્ષા રદ કરવામાં આવતા લાખો ઉમેદવારોની આશાઓ ઉપર પાણી ફરી વળ્યું હતું. પરીક્ષા રદ થતા સાડા લાખ ઉમેદવારોમાં રોષ ફેલાયો છે અને ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ગયા હતા. 1181 જગ્યાઓ માટે સાડા નવ લાખ ઉમેદવારો પરીક્ષા આપવાના હતા.
 
ગુજરાત બહારની ગેંગે આ પેપર લીક કર્યું હોવાનું કૃત્ય કરવામાં આવ્યું હોવાની માહિતી મંડળના સભ્યો પાસેથી સામે આવી રહી છે. અગાઉ પાંચ દિવસ પહેલા જ યુવરાજસિંહ પેપર લીક થયાની આશા વ્યક્ત કરી હતી તે આ શંકા આજે સાચી સાબિત થઈ છે. યુવરાજસિંહ પેપર લીક કરનાર 5 શખ્સોના નામ પણ આપ્યા હતા. યુવરાજસિંહ ના આક્ષેપો બાદ પણ તંત્ર સજાગ ન બનતા આજે લાખો વિદ્યાર્થીઓએ મુશ્કેલીમાં મુકાવાની નોબત આવી છે.
                                                                                    
આજે યોજાના પરીક્ષા માટે 70,000 જેટલા પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવનાર હતો. જો કે છેલ્લી ઘડીએ પરીક્ષા રદ કરવામાં આવતા કડકડતી ઠંડીમાં દૂર દૂરથી પરીક્ષા કેન્દ્રો પર પહોંચેલા ઉમેદવારો ઠંડી ઠુંઠવાયા હતા અને સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો. તો હવે નવેસરથી પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવશે તેવી પ્રાથમિક વિગતો સામે આવી રહી છે. રાજ્યમાં વારંવાર પરીક્ષાના પેપરો ફૂટ્યા નો સિલસિલો ચાલુ રહેતા લાખો ઉમેદવારો ફુલપ્રુફ સિસ્ટમની વાતો કરતી સરકાર માટે પેપર લીક થવાની આ ઘટના કલંક સમાન હોવાનું જણાવી રહ્યા છે.
 
પેપર લીક થયાના સમાચાર સામે આવતાની સાથે જ પોલીસ વિભાગ દ્વારા આ આ માટે જવાબદાર 10 જેટલા વ્યક્તિઓની સંડોવણી સામે આવી છે. આરોપીઓ સુધી પહોંચવા માટે એટીએસ ધ્વારા જુદી જુદી ટીમોને કામે લગાડી છે. પ્રાથમિક માહિતી અનુસાર એટીએસ દ્વારા પેપરકાંડમાં રાત્રે જ કેટલાક વ્યક્તિને ઝડપી લેવામાં આવ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. વારંવાર પેપર ફૂટવાનો સિલસિલો ચાલુ રહેલા કોંગ્રેસે પણ આજે ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કર્યા છે.
  
ક્યારે અટકશે આ સિલસિલો ક્યારે કઈ પરીક્ષાના પેપર ફૂટ્યા
2014- ચીફ ઓફિસર
2015- તલાટીની પરીક્ષા 
2018- મુખ્ય સેવિકાની પરીક્ષા 
2018- નાયબ ચિટનીસની પરીક્ષા 
2018- લોક રક્ષક દળ
2019- બિન સચિવાલય  કલાર્ક
2021- હેડ કલાર્ક
2022- વનરક્ષકનું પેપર ફૂટ્યું
2023- આજે ફરી એકવાર જુનિયર કલાર્કની પરીક્ષાનું પેપર લીક થયું