બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 22 એપ્રિલ 2022 (09:20 IST)

ભાવનગરના નેસવડ ગામની પ્રાથમિક શાળામાંથી ધો 6થી 8ની પરીક્ષાના પેપર ચોરાયા, 22 અને 23 એપ્રિલે યોજાનાર પરીક્ષા રદ

શિક્ષણમંત્રીના મત  વિસ્તારમાંથી જ પેપરોની ચોરી થઈ
ભાવનગર LCB સહિત પોલીસ કાફલો નેસવડ સ્કૂલમાં તપાસ માટે પહોંચ્યો
 
ગુજરાતમાં ભરતી પરીક્ષાના પેપરો ફૂટવાની ઘટના બાદ બોર્ડની પરીક્ષાના પેપરો ફૂટવાની ઘટના તાજેતરમાં સામે આવી હતી. ત્યાર બાદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બીકોમ સેમ-6નું ઈકોનોમિક્સનું પેપર પરીક્ષાના એક કલાક પહેલાં ફૂટ્યું હોવાનું પણ સામે આવ્યું હતું. ત્યારે હવે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાની નેસવડ પ્રાથમિક શાળામાંથી વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રની ચોરી થવાની ઘટના સામે આવી છે. પ્રશ્નપત્રની ચોરી થતાં 22 અને 23 એપ્રિલે યોજાનાર ધોરણ 7ની પરીક્ષા રદ કરવામાં આવી છે. આ બાબતે સ્કૂલના પ્રિન્સિપાલે મોડી રાત્રે પોલીસ ફરિયાદ કરી છે. 
 
ફરિયાદને આધારે પોલીસે તપાસ શરૂ કરી દીધી
શિક્ષણ વિભાગની સૂચના અનુસાર તળાજા તાલુકાની નેસવડ પ્રાથમિક શાળામાંથી વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રની ચોરી થઈ છે. આ સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. વિદ્યાર્થીઓ ના વિશાળ હિત માં આવતીકાલ તા.22/4/22 અને તા.23/4/22 ના રોજ યોજાનાર ધોરણ 7 ની પરીક્ષા રદ કરવામાં આવે છે. સોમવારથી રાબેતા મુજબ ધોરણ 7 ની પરીક્ષા યોજવાની રહેશે.અન્ય ધોરણોની પરીક્ષા અગાઉથી આપેલા સમયપત્રક મુજબ લેવાની રહેશે. હાલમાં ભાવનગર LCB સહિત પોલીસ કાફલો નેસવડ સ્કૂલમાં તપાસ માટે પહોંચી ગયો છે. 
 
બોર્ડની પરીક્ષાનું હિન્દીનું પેપર પણ ફરતું થયું હતું
ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં હિન્દીનું પેપર અડધા કલાકમાં ફરતું ગઈ હતું, ત્યારે શિક્ષણ બોર્ડ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આને પેપર ફૂટ્યું ન કહેવાય. જો કે તેની સાથે સાથે શિક્ષણ બોર્ડે પેપર ફરતાં થયા મુદ્દે તપાસ હાથ ધરી હતી. ધોરણ 10ના હિન્દીના પેપરમાં પૂછાયેલા સવાલના હાથથી લખાયેલા જવાબ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતાં. પેપરમાં સવાલના સેક્શન પ્રમાણે જવાબો વાયરલ થયાં હતાં. ફેસબુકના જે પેજ પર આ પેપર વાયરલ થયું છે. તેમાં એવું લખ્યું છે કે, ધોરણ 10 નું પેપર પૂરું થવાને હજી અડધા કલાકની વાર છે પણ કોઈ અજાણ્યા નંબર પરથી આ પેપર વોટ્સએપ પર મળ્યું છે. ઘનશ્યામ ચારેલ નામના વ્યક્તિએ પેપર સોલ્વ થયેલા ફોટા સોશિયલ મીડિયા પર મૂકીને ગેરીરીતિ અંગે જણાવ્યું હતું.
 
પરીક્ષાના એક દિવસ પહેલાં પેપર ફૂટ્યું-સેનેટ
બે દિવસ પહેલાં જ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બીકોમ સેમ-6નું ઈકોનોમિક્સનું પેપર પરીક્ષાના એક કલાક પહેલાં ફૂટ્યું હોવાનો સેનેટ સભ્યે આક્ષેપ કર્યો હતો. પેપર ફૂટવાની ઘટનાને લઈને કુલપતિ દ્વારા પરીક્ષા રદ કરી દેવામાં આવી છે.યુનિવર્સિટીના સેનેટ સભ્ય ભાવેશ રબારીએ કહ્યું હતું કે એક દિવસ પહેલાં જ પેપર ફૂટી ગયું હતું. એક ખાનગી ક્લાસમાંથી પેપર ફૂટી ગયું હતું. આ અંગે અમે યુનિવર્સિટીનું ધ્યાન દોર્યું છે, પરંતુ કોઈ જ પગલાં લેવામાં આવ્યાં નથી. વારંવાર પેપર ફૂટી રહ્યાં છે ત્યારે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડાં કરતા શાસકો દ્વારા કોઈ જ હિતકારી નિર્ણય લેવામાં આવ્યો નથી.