સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 6 નવેમ્બર 2017 (12:36 IST)

મોદી સાથે પ્રેમ પણ ભાજપના અન્ય લોકોથી નફરત વાળા પોસ્ટરવોરથી ભાજપમાં ખળભળાટ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે માંજલપુર વિધાનસભા મતવિસ્તારમાં 'અમે મોદીને પ્રેમ કરીએ છીએ પણ કેટલાક લોકોને કારણે ભાજપથી નફરત છે' તેવા લખાણવાળાં પોસ્ટર્સ લાગતા ખળભળાટ મચી ગયો હતો. સુશેન વડસર રોડ પર પાલિકા દ્વારા મંજૂર કરાયેલા ફ્લાયઓવરનો સ્થાનિક રહીશોએ ભાજપ વિરોધી પોસ્ટર્સ સાથે અનોખો વિરોધ કર્યો હતો.

વડોદરા શહેરના સુસેન સર્કલ તરફથી તરસાલી રોડ થઇ વડસર તરફ જવાના રિંગ રોડ ઉપર બનાવવામાં આવનારા ફ્લાય ઓવરની આસપાસની સોસાયટીના રહીશો દ્વારા રસ્તા ઉપર ઉતરી જઇ “હમને સુની આપકે મન કી બાત ઔર આપને કી દિલ તોડની બાત’’, 1 મિનિટ બચાને કે લીયે રૂ. 37 કરોડ કી ફીઝુલ ખર્ચી ક્યુ’’નાં લખાણવાળાં પોસ્ટરો આનંદબાગ ગ્રાઉન્ડ પર લગાડી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. સાથે જ સુસેન-તરસાલી રોડ પર 'અમે મોદીને પ્રેમ કરીએ છીએ પણ કેટલાક લોકોને કારણે ભાજપથી નફરત છે' તેવા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. નવા બનનારા ફલાયઓવરના કારણે 35 વર્ષથી રહેતા 15 હજારથી વધુ નાગરિકોની દિનચર્યા અને આરોગ્ય પર ભારે અસર પડશે તેવી લાગણી વ્યકત કરવાની સાથોસાથ બ્રિજની દિશા બદલવા માટે નાણાંનો ખેલ ખેલાયો હોવાનો પણ ખુલ્લો આક્ષેપ કર્યો હતો.