મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 23 જુલાઈ 2020 (09:42 IST)

કોરોના વાયરસના લીધે ગુજરાતના મંદિરોની આવકમાં 90%ના ઘટાડો

કોરોના કાળ અને દેશવ્યાપી લોકડાઉન વચ્ચે ફક્ત સામાન્ય વ્યક્તિ જ નહી, પરંતુ દેવસ્થાનોની આવક પર સંકટ આવી ગયું છે. કોરોનાના સંક્રમણ વચ્ચે ગુજરાતના તમામ મોટા દેવસ્થાનોની કમાણીના આંકડા સામે આવ્યા તો દર્શનાર્થીઓ દ્વારા મળનાર પૈસામાં ઘટાડો જોવા મળ્યો. ભલે ગુજરાતના તમામ મંદિરો અનલોક-2 બાદ ખુલી ગયા હોય, પરંતુ સાચી વાત એ છે કે આ મંદિરોમાં હજુ શ્રદ્ધાળુંઓએ આવવાનું શરૂ કર્યું નથી. 
 
ગુજરાત સહિત આખા દેશમાં 23 માર્ચથી લગાવવામાં આવેલા લોકડાઉન બાદ મંદિરોને બંધ કરવામાં આવ્યા હતા. ગુજરાતના દેવસ્થાનોને હવે 8 જૂનથી ફરી ખોલવામાં આવ્યા છે. મંદિરોમાં દર્શન માટે ઓનલાઇન એપોઇમેન્ટ લીધા બાદ પ્રવેશ આપવામાં આવે છે. જોકે કોરોનાકાળમાં ટ્રેનો બંધ હોવાના કારણે અને સંક્રમણના ડરથી બીજા રાજ્યોના લોકો પણ દર્શન માટે આવી શકતા નથી. 
 
શ્રાવણમાં પણ સૂના બન્યા સોમનાથ દાદા
ગુજરાતના જે સોમનાથ મંદિરમાં શ્રાવણ મહિનામાં ભારે ભીડ જામતી હતી, ત્યાં હવે મર્યાદિત શ્રદ્ધાળુ આવી રહ્યા છે. આ ઉપરાંત મંદિરોને દર મહિને 3-4 કરોડ રૂપિયાની આવક થતી તેના બદલે હવે ફક્ત 15-20 લાખ મળી રહ્યા છે. સોમનાથ મંદિરમાં લગભગ 650 કર્મચારી છે, જેમન વેતન પર દર મહિને લગભગ 1 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. 
 
અંબાજી મંદિર અને દ્વારકાધીશ મંદિરની આવક ઘટી
આ ઉપરાંત ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરમાં પણ પર્યટકોની સંખ્યા ઘટી છે. એક જમાનામાં જે અંબાજી મંદિરમાં દર મહિને 5 કરોડની આવક થતી હતી,  તે હવે 30 લાખ રૂપિયાની આસપાસ પહોંચી ગઇ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરમાં પન દર મહિને 1 કરોડની આવક થતી હતી. તે હવે ઘટીને 15 લાખ રૂપિયાની આસપાસ આવી ગઇ છે. કોરોનાની સ્થિતિ ક્યારે કાબૂમાં આવશે તે એકદમ અનિશ્વિત છે, એવામાં માનવામાં આવી રહ્યું છે કે મંદિરોમાં એકવાર ફરીથી લોકોનું આવવાનું શરૂ થતાં તેમની આવક ફરીથી વધશે.