1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 13 જાન્યુઆરી 2018 (13:05 IST)

ઊપલેટાની આગની ઘટના અંગે સીએમ રૂપાણીએ શોક વ્યક્ત કર્યો

રાજકોટના ઉપલેટાના પ્રાંસલામાં કાળજુ કંપાવે તેવી ઘટના બની છે. રાજકોટના ઊપલેટામાં રાષ્ટ્રકથા શિબિરમાં મોડી રાત્રે લાગેલીને આગને કારણે 3 વિદ્યાર્થીઓના મોત થયા છે. સ્વામી ધર્મબંધુજીની ચાલતી શિબિરમાં સર્જાયેલી કરૂણાંતિકાથી ભારે શોક વ્યાપી ગયો છે. જેને પગલે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ટ્વિટ કરીને દુખ વ્યક્ત કર્યું છે. આ ઘટના અંગે શિબિરના સ્વામી ધર્મબંધુજીએ પણ દુખ વ્યક્ત કરતા કહ્યું કે, અમારા માટે આ બહુ જ દુખદ ઘટના છે. પરંતુ અમને અફસોસ થાય છે કે, અમે 3 વિદ્યાર્નીઓને બચાવવા નિષ્ફળ રહ્યા. આ ઘટનાને પગલે ઊપલેટાના ઘારાસભ્ય લલિત વસોયાએ પણ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનીઓની મુલાકાત લીધી હતી. સીએમ વિજય રૂપાણીએ ટ્વિટમા દુખ વ્યક્ત કરતા કહ્યું કે, પ્રાંસલા ખાતે રાષ્ટ્રકથા શિબીરમાં લાગેલી આગના કારણે ખુબજ દુઃખની લાગણી અનુભવું છું. રાજ્યસરકાર અને વહીવટીતંત્રએ સતર્ક રહીને પરિસ્થિતિને કાબુ હેઠળ લઇ લીધી છે. ભગવાન મૃતકોના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના. શિબિરમાં વિદ્યાર્થીનીઓના રહેવાના ટેન્ટમાં જ આગ લાગી હતી. જેમાં 15 જેટલી વિદ્યાર્થીનીઓ ઘાયલ થયા છે. આગમાં દાઝી ગયેલી પાંચ યુવતીઓને રાજકોટ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ વિદ્યાર્થીનીઓની હાલત વધુ ગંભીર હોવાથી તેમને ઉપલેટાથી રાજકોટ વધુ સારવાર માટે ખસેડવામાં આવી છે. મૃત્યુ પામનાર વિદ્યાર્થીનીઓ જસદણ, મોરબી અને સાયલાની હોવાનું જાણવા મળ્યુ છે. જેમાં એક વિદ્યાર્થિની પોતાનો સામાન લેવા જતાં આગને ભેટી હતી.