શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 22 ડિસેમ્બર 2017 (13:16 IST)

બિટકોઈનથી પેમેન્ટ સ્વીકારનાર રાજકોટની રેસ્ટોરાં રાજ્યની પ્રથમ રેસ્ટોરાં બની

દેશ અને દુનિયામાં આજે બિટકોઇનની ચર્ચાઓ થઇ રહી છે, ત્યારે રાજકોટમાં પણ એક એવું રેસ્ટોરાં છે કે જ્યાં બિટકોઇનથી પેમેન્ટ સ્વીકારવામાં આવી રહ્યું છે. રાજકોટમાં આવેલી આ રેસ્ટોરાં બિટકોઈન સ્વીકારતી રાજ્યની પ્રથમ રેસ્ટોરાં બની છે. રેસ્ટોરાંમાં બિટકોઇનથી પેમેન્ટ આપવા માટે ગ્રાહકોને ખાસ ઓફર પણ આપવામાં આવી રહી છે.  શહેરના આકાશવાણી ચોકમાં આવેલા પિત્ઝા પાર્લરમાં બિટકોઇનથી પેમેન્ટ સ્વીકારવામાં આવી રહ્યું છે, અહીંના સંચાલક વિશાલ વોરાના કહેવા પ્રમાણે બિટકોઇનનો સૌથી વધારે ઉપયોગ જાપાનમાં થઇ રહ્યો છે, પરંતુ આ ચલણ હવે ભારતમાં પણ ચર્ચામાં છે.

લોકોમાં બિટકોઇનને લઇને જાગૃતિ આવે તે હેતુથી તેણે રેસ્ટોરાંમાં બિટકોઇનથી પેમેન્ટ વસૂલવાની શરૂઆત કરી છે. એટલું જ નહીં બિટકોઇનથી જે લોકો પેમેન્ટ આપે છે તેમને ખાસ વળતર પણ આપવામાં આવી રહ્યું છે. છેલ્લા એક મહિનાથી શરૂ થયેલી આ સ્કિમમાં અત્યાર સુધીમાં ચાર જેટલા લોકોએ બિટકોઇનથી પેમેન્ટ આપવાની શરૂઆત કરી છે. બિટકોઇનની કિંમત જે રીતે વધી રહી છે અને તેનો વ્યવહારમાં જે રીતે ઉપયોગ થઇ રહ્યો છે તેને જોતા તેના ભયસ્થાનો પણ એટલા જ છે તેવું આર્થિક નિષ્ણાતો માની રહ્યા છે.