1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 21 સપ્ટેમ્બર 2021 (17:46 IST)

સ્ટેટ ફૂડ સેફટી ઇન્ડેક્ષ-ર૦ર૦-ર૧માં સમગ્ર દેશમાં ગુજરાતે મેળવ્યો પ્રથમ ક્રમ

ગુજરાતે ફૂડ એન્ડ સેફટી સ્ટાર્ન્ડડ ઓથોરિટી ઓફ ઇન્ડીયા ભારત સરકાર દ્વારા આપવામાં આવતા સ્ટેટ ફૂડ સેફટી ઇન્ડેક્ષમાં દેશભરના રાજ્યોમાં બેસ્ટ પરફોર્મિંગ સ્ટેટ તરીકે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે.
 
ગુજરાતે ર૦ર૦-ર૧ના સ્ટેટ ફૂડ સેફટી ઇન્ડેક્ષમાં ૭ર ટકા મેળવીને દેશના મોટા રાજ્યોમાં પ્રથમ ક્રમ હાંસલ કરવાની આ સિદ્ધિ મેળવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રાજ્યના ખોરાક ઔષધ નિયમનતંત્ર અને આરોગ્ય વિભાગને આ ગૌરવસિદ્ધિ પ્રાપ્ત કરવા માટે અભિનંદન પાઠવ્યા છે.
 
ભારત સરકાર દ્વારા સ્ટેટ ફૂડ સેફટી ઇન્ડેક્ષ માટેના જે માપદંડો-ધારાધોરણો નિયત કરવામાં આવ્યા છે તેમાં ઓવરઓલ પરફોમન્સ ઓન ફૂડ સેફટીના આધારે રાજ્યોને શ્રેષ્ઠતાના ક્રમ આપવામાં આવે છે.
 
આ માપદંડોમાં ફૂડ સેમ્પલીંગ, ટેસ્ટીંગ, લેબોરેટરી ઇન્ફ્રાસ્ટ્રકચર, કોમ્પલાયન્સ, ટ્રેનિંગ, લાયસન્સ અને રજીસ્ટ્રેશન અને રાજ્યમાં મળતા ખોરાકની ગુણવત્તા ઉપર ભાર મુકવામાં આવે છે.ગુજરાતે આ બધા જ માપદંડ અને ધારાધોરણોમાં શ્રેષ્ઠતા પૂરવાર કરીને ભારત સરકાર દ્વારા આપવામાં આવતો આ એવોર્ડ મેળવ્યો છે.  
 
ગુજરાતે આ પ્રથમ ક્રમ સતત બીજા વર્ષે પણ જાળવી રાખ્યો છે અને ર૦૧૯-ર૦ના સ્ટેટ ફૂડ સેફટી ઇન્ડેક્ષમાં પ્રથમ ક્રમ મેળવ્યા બાદ ર૦ર૦-ર૧માં પણ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવીયાએ નવી દિલ્હીમાં આયોજિત સમારોહમાં ગુજરાતને આ એવોર્ડ અને પ્રમાણપત્ર એનાયત કર્યા હતા.