1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. gujarat rent bill

ગુજરાત ભાડા બિલ મોકૂફ: વકીલોના ઉગ્ર વિરોધ સામે સરકાર નમી; હવે ફેબ્રુઆરી 2028 માં રજૂ થશે સુધારિત બિલ

gujarat rent bill
gujarat rent bill
ગુજરાતમાં ભારે ચર્ચાસ્પદ બનેલા ગુજરાત ભાડા બિલને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. વકીલ સમુદાય દ્વારા કરવામાં આવેલા ઉગ્ર વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે સૂચિત ભાડા બિલને હાલ પૂરતું મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. આ સુધારિત વિધેયકને હવે પુનઃવિચારણા માટે રાજ્યપાલ સમક્ષ પરત મોકલવામાં આવશે, જેનાથી વિરોધ કરી રહેલા વકીલોને મોટો રાહત મળી છે.

ફેબ્રુઆરી 2028 માં રજૂ થશે સુધારિત બિલ, જૂના નિયમો યથાવત રહેશે

 
સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ હવે આ સુધારિત ભાડા બિલ ફેબ્રુઆરી 2028 માં રજૂ કરવામાં આવશે. ભાડા બિલને હાલ પૂરતું ટાળી દેવામાં આવ્યું હોવાથી રાજ્યમાં તમામ ભાડા કરાર (Rent Agreement) અને તેને સંકળાયેલી દસ્તાવેજી કામગીરી અગાઉના જૂના નિયમો અનુસાર જ યથાવત રીતે ચાલુ રહેશે.
 

એડવોકેટ જનરલે હાઈકોર્ટમાં આપી ખાતરી

 
એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ સરકાર વતી કોર્ટમાં રજૂઆત કરતા ખાતરી આપી હતી કે સરકારે બાર કાઉન્સિલ સાથે ચર્ચા-વિચારણા કરી લીધી છે. રાજ્યપાલ આ વિધેયક પર હાલ હસ્તાક્ષર નહીં કરે અને મૂળ કાયદો પરત ખેંચાય તે દિશામાં કાર્યવાહી ચાલી રહી છે. જોકે, સરકાર તરફથી આ ખાતરી મળ્યા બાદ પણ વકીલોનો રોષ સંપૂર્ણપણે શાંત થયો નથી.

અમદાવાદમાં વકીલોનું ઉગ્ર આંદોલન અને બાઈક રેલી

 
આ બિલના વિરોધમાં અમદાવાદમાં વકીલો દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટ, ગ્રામ્ય કોર્ટ અને સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના પરિસરમાં વકીલોએ સૂત્રોચ્ચાર કરીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત, વકીલોએ વિરોધ દર્શાવવા માટે બાઈક રેલી યોજીને ઇન્કમટેક્સ સર્કલ નજીક પણ ચક્કાજામ અને પ્રદર્શન કર્યું હતું.
 
આગળનો લેખ
UP રાજ્યસભા ચૂંટણી : BJP એ 8 ઉમેદવારોના નામ કર્યુ જાહેર, ધર્મપાલ સિંહને તક, હરદીપ સિંહ પુરીનુ પત્તુ કપાયુ