અમદાવાદની એચ કે કોલેજમાંથી બરતરફ કરાયેલા અશોકભાઈ વાઘેલા તથા તેમનો પરિવાર નોકરી પરત મેળવવા છેલ્લા પાંચ દિવસથી કોલેજના ઝાંપા પાસે ફૂટપાથ પર બેઠો છે તથા પ્રધાનમંત્રી મોદી માટે કહી રહ્યો છે કે "બેટી બચાવો, બેટી પઢાઓ" સૂત્ર તો આપ્યું પણ મારી દિકરીઓને ભણાવવા મારી પાસે પૈસા પણ રહ્યા નથી. અશોકભાઈ વાઘેલા એચ કે કોલેજમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા હતા પણ કોલેજે તેમને અનિયમીતતા તથા શિસ્તનું કારણ આપી ડિસમીસ કરી દીધા. કોલેજના નિર્ણયને તેમણે ટ્રીબ્યુનલમાં પડકાર્યો તથા જીત્યા પણ ખરા પણ તેમને તેમની નોકરી પાછી નથી મળતી. વાઘેલાનો આક્ષેપ છે કે વર્ષ 2009માં કોલેજના ક્લાર્ક દિનેશભાઈ પટેલે આપઘાત કર્યો હતો અને તેમાં તેઓ મુખ્ય સાક્ષી હોવા ઉપરાંત દિનેશભાઈને કોલેજ તરફથી થઈ રહેલા અન્યાય અંગે તેઓ મિડીયા સમક્ષ ગયા હોવાથી તેમને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા. કલેક્ટર ઓફિસ સહિત અનેક જગ્યાઓએ અરજીઓ કરવા છતાં કોઈ તેમની મદદ ન કરતું હોવાથી આખરે તેમણે સહપરિવાર ગાંધીચિંધ્યા માર્ગે આંદોલનનો રસ્તો અપનાવ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું કે હું દલિત હોવાથી દલિતો માટે લડતા હોવાનો દાવો કરતા નેતા તથા મૃતક દિનેશભાઈ પટેલ હતા તથા મેં પટેલનો સાથ આપ્યો તેથી કેટલાંક પાટીદાર નેતાઓ મને મળી સાંત્વના આપી ગયા પણ મને મારી નોકરી અપાવવા કોઈ આગળ આવ્યું નથી.