બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 15 માર્ચ 2017 (16:44 IST)

વિશ્વ વિખ્યાત કવાંટના આદિજાતિ ગેર મેળામાં વનબંધુઓનો ઉમંગ-ઉલ્લાસ

મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ આજે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે વિશ્વ વિખ્યાત ગેરનો મેળો નિહાળ્યો હતો અને કલા અને સંસ્કૃતિનાં રંગોત્સવની ઉજવણીમાં વનબંધુઓ સાથે જોડાઇને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. કવાંટનો ગેરનો મેળો છોટાઉદેપુર પંથકમાં હોળી મેળાઓમાં શિરમોર ગણાય છે. રાજયના મુખ્યપ્રધાન ગેરના મેળા પ્રસંગે કવાંટ આવ્યા હોય એવી ઐતિહાસિક ઘટના હતી. મુખ્યમંત્રી એ આદિજાતિઓ માટે દિવાળીથી પણ અદકેરૂ મહત્વ ધરાવતો હોળીનો આ મેળો આદિજાતિ વનબંધુઓના જીવનમાં આનંદ, ઉલ્લાસ, ઉમંગ, સમૃધ્ધિ અને આરોગ્યના નવીન રંગોની રંગોળી પૂરે એવી શુભેચ્છા પાઠવી હતી.
વિધાનસભાના સત્ર વચ્ચેથી સમય ફાળવીને પણ મુખ્યમંત્રીએ છોટાઉદેપુર જિલ્લાની પૂર્વ પટૃીના આદિજાતિ મેળામાં સહભાગી બનવાનું સૌજન્ય દાખવ્યુ હતું. તેમણે ગેરના મેળામાં ટ્રાયબલ ટુરીઝમને વેગ મળે એવા આયોજન માટે છોટાઉદેપુર જિલ્લા પ્રશાસન અને ગુજરાત પ્રવાસન નિગમને અભિનંદન આપ્યા હતા.


જૈનાચાર્ય રાજેન્દ્ર મુનિએ મુખ્યમંત્રી ને આવકારની સાથે શુભાશિષ પ્રદાન કર્યા હતા.

રાજય સરકારનો સર્વાંગી અને બહુપાસીય આદિજાતિ કલ્યાણનો સંકલ્પ દોહરાવતા મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું કે, રાજયની આરોગ્ય નીતિ હેઠળ પ્રત્યેક આદિજાતિ જિલ્લામાં એક મેડિકલ કોલેજ શરૂ કરીને આદિજાતિ સંતાનોને તબીબ બનવાનો માર્ગ મોકળો કરવા સરકાર સંકલ્પબધ્ધ છે. તેમણે જણાવ્યું કે રાજય સરકારે પેસા એકટના અમલીકરણથી આદિજાતિ ક્ષેત્રના લોકોને વચેટીયા વગર વિકાસની બહુમુલ્ય તકો અને અઘિકારો ઉપલબ્ધ કરાવ્યા છે. વિજયભાઇ રૂપાણીએ સિકલસેલ એનિમીયા પીડિત આદિજાતિઓ માટે નિર્વાહ ભથ્થુ તથા વિનામૂલ્યે સારવારની સુવિધા, એકલવ્ય નિવાસી શાળાઓ દ્વારા આદિજાતિ સંતાનોના ગુણવત્તાસભર શિક્ષણની ઘરઆંગણાની સુવિધા, આદિજાતિ વિસ્તારની શાળાઓમાં શિક્ષકોની ભરતીની વિશેષ છૂટ, આરોગ્યતંત્રનું મજબૂતીકરણ સહિત આદિજાતિ અને સર્વ સમાજ કલ્યાણના રાજય સરકારના આયોજનોની રૂપરેખા રજૂ કરી હતી.

ગરીબો અને ગામડાને સમર્પિત રાજય સરકારે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીના પગલે ગુજરાતમાં પારદર્શક અને પ્રમાણિક રાજનીતિનો નવો અધ્યાય શરૂ કર્યો છે એવી લાગણી વ્યકત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું કે, માતાઓ, બહેનોને અભય વચન આપવા દારૂબંધીની નીતિને અત્યંત કડક બનાવી છે. તેમણે જણાવ્યુ હતું કે, અહિંસાને વરેલી રાજય સરકાર કડકમાં કડક કાયદાઓના અમલીકરણ દ્વારા ગૌવંશની હત્યા રોકવા કટીબદ્ધ છે.