બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 26 માર્ચ 2018 (12:11 IST)

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષે સસ્પેન્ડ કરેલા કોંગ્રેસના 3 ધારાસભ્યો હાઈકોર્ટ પહોંચ્યા

ભાજપના ધારાસભ્ય પર કથિત હુમલો કરવાના આરોપમાં સસ્પેન્ડ કરાયેલા કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો હાઈકોર્ટ પહોંચ્યા છે. અધ્યક્ષ સામે કરાયેલી અવિશ્વાસની દરખાસ્ત થનારી પર ચર્ચામાં ભાગ લેવા આ ત્રણ ધારાસભ્યોએ પોતાનું સસ્પેન્શન રદ્દ કરવા માંગ કરી છે. હાઈકોર્ટ આ ત્રણ ધારાસભ્યોની અરજી પર બે દિવસમાં સુનાવણી કરે તેવી શક્યતા છે. મહત્વનું છે કે, કોંગ્રેસના બે ધારાસભ્યો ત્રણ જ્યારે એક ધારાસભ્યને 1 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે. વિધાનસભામાં શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે કોંગ્રેસી ધારાસભ્યોના સસ્પેન્શન અને સ્પીકર સામે લવાયેલી અવિશ્વાસની દરખાસ્તને લઈને ઘણા સમયથી અંટસ ચાલી રહી છે. શાસક પક્ષ વિપક્ષને સ્પીકર સામે કરાયેલી અવિશ્વાસની દરખાસ્ત પરત ખેંચી લેવા માટે કહી રહ્યો છે, તો વિપક્ષ પણ પોતાના ધારાસભ્યોનું સસ્પેન્શન રદ્દ કરાય તેની જીદ પર અડેલો છે. 14મી માર્ચના રોજ વિધાનસભામાં મારામારી કરવાના આરોપમાં અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કોંગ્રેસના ધારાસભ્યો પ્રતાપ દુધાત અને અમરિશ ડેરને ત્રણ વર્ષ માટે જ્યારે, કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરને એક વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા હતા. સ્પીકર પર એક તરફી કાર્યવાહી કર્યાના આક્ષેપ સાથે કોંગ્રેસે આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવાની પણ જાહેરાત કરી છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણીનું કહેવું છે કે, ગુજરાત વિધાનસભાના નિયમો પ્રમાણે કોઈ પણ ધારાસભ્યને વધુમાં વધુ ચાલુ સત્ર સુધી જ સસ્પેન્ડ કરી શકાય. કોઈ કાયદો એવો છે જ નહીં કે જેના હેઠળ કોઈ સભ્યને ત્રણ વર્ષ કે એક વર્ષ માટે સસ્પેન્ડ કરી શકાય. સામે પક્ષે સ્પીકર કહી રહ્યા છે કે, તેમણે નિયમોને આધિન રહીને જ નિર્ણય લીધો છે. નવી ચૂંટાયેલી સરકારના વિધાનસભાના પહેલા જ સત્રમાં સ્પીકર સામે વિપક્ષે તેઓ સત્તાપક્ષની તરફેણ કરતા હોવાના અને વિપક્ષને બોલવાની કે રજૂઆત કરવાની ગૃહમાં તક ન આપતા હોવાનો આરોપ મૂકી તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકી છે, જેના પર આગામી એક-બે દિવસમાં ચર્ચા થશે. ગુજરાતના ઈતિહાસમાં અત્યાર સુધી ક્યારેય સ્પીકર સામે કરાયેલી અવિશ્વાસની દરખાસ્ત પર ચર્ચા નથી થઈ. જો આ વખતે આ ચર્ચા થઈ તો, ઈતિહાસમાં આ પહેલી ઘટના હશે.