શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 27 માર્ચ 2018 (12:14 IST)

ગતીશિલ કૌભાંડ, ગુજરાતના આ જિલ્લામાં ટોઈલેટ બનાવવામાં થયું 3 કરોડનું કૌભાંડ

ગુજરાતના દેવભૂમિ દ્વારકામાં ટોઈલેટ બનાવવામાં મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની અરજી મળ્યા બાદ રાજ્યના એન્ટી કરપ્શન બ્યૂરોએ તપાસ હાથ ધરી છે. છેલ્લા બે મહિનામાં સત્તાવાર રીતે રેકોર્ડમાં નોંધાયેલા લાભાર્થીઓના ઘરે જઇને ટીમે તપાસ કરી હતી, જેને પગલે 2.75 કરોડનું કૌભાંડ સામે આવ્યું.  2014-15માં ટોઈલેટ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો તેવી 7 એનજીઓના પ્રમુખો, સિટી એન્જિનિયર દેવશી ગોરડિયા અને સુભાષ લશ્કરી, ઓખા નગરપાલિકાના અધિકારી શક્તિસિંહ વાઢેર સહિત જીકે ચંદપા અને જયેશ પટેલ સામે આરોપો નોંધાયા છે. આ કેસની પ્રાથમિક તપાસ કરી રહેલા દેવભૂમિ દ્વારકાના ઇન્સપેક્ટર સીજે સુરેજાએ કહ્યું કે, ઇન્ચાર્જ ડાયરેક્ટર કેશવ કુમાર અને એડિશનલ ડાયરેક્ટર હસમુખ પટેલના સુપરવિઝનમાં એક સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં જાણવા મળ્યું હતું કે મહાત્મા ગાંધી સ્વચ્છ મિશન અંતર્ગત 6752 ટોઈલેટ બનાવી દેવામાં આવ્યાં હતાં.વધુમાં સુરેજાએ કહ્યું કે, “નવચેતન વિકાસ ટ્રસ્ટ, મારુતિ ચેરિટેબલ ટ્રસ્ટ, ભગવતી ફાઉન્ડેશન, વિકાસ ભારતી, શ્રી ગણેશ એજ્યુકેશન ચેરિટેબલ યૂથ ગ્રુપ, જનસેવા મંડલ અને ચામુંડા યૂથ ગ્રુપને ટોઈલેટ બનાવવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન અમને જાણવા મળ્યું કે 3354 ટોઈલેટ બનાવવામા જ નહોતા આવ્યાં.”ડોર ટૂ ડોર સર્વે દરમિયાન જાણવા મળ્યું હતું કે બેટ દ્વારકા સહિતના કેટલાક વિસ્તારમાં ટોઈલેટના નામે અમુક લોકોને માત્ર દરવાજા, અમુકને સિમેન્ટ તો અમુકને માત્ર વોટર ટેન્ક જ મળ્યા હતા. સર્વેમાં સરકારી એન્જિનિયર અને ફોટોગ્રાફરનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.  એસીબી અધિકારીએ જણાવ્યા મુજબ કેટલાક બનેલા ટોઈલેટ પાસે લાભાર્થીનો ફોટો પાડી તમામ ટોઈલેટ બનાવવાનું કામ પૂરું થઇ ગયું હોય તેની સાબિતી માટે કોર્પોરેશનમાં તસવીરો સબમિટ કરી દેવામાં આવી હતી.એસીબીના અધિકારીએ ઉમેર્યું કે પેમેન્ટ રિલીઝ કરતા પહેલા ટોઇલેટ બન્યા છે કે નહીં તે અંગે ફિઝિકલી તપાસ કરવાની જવાબદારી નગરપાલિકાની રહેતી હોય છે, જેથી નગરપાલિકાને પણ આરોપીઓના લિસ્ટમાં ઉમેરવામાં આવી છે. ઉપરાંત તેમણે મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડમાં તફાવતનો રિપોર્ટ ન કરતાં સરકારી તિજોરીને 2.75 કરોડ રૂપિયાનો ફટકો પડ્યો.