શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 27 માર્ચ 2018 (12:11 IST)

લીંબુના ભાવમાં ભડકો, ઉનાળા પહેલાં 25ના કિલો અને હવે 20 રુપિયાના 100 ગ્રામ

ઉનાળાની ભયંકર ગરમી અત્યારથી જ ગુજરાતીઓને દઝાડી રહી છે. ત્યારે પાણીના પોકારોનો અંત નથી અને લોકો પોતાની તરસ છીપાવવા તથા ગરમીની લૂથી બચવા માટે લીંબુ શરબતનો ઉપયોગ કરે છે ત્યારે હવે લીંબુના ભાવ પણ આસમાને આંબી ગયાં છે. હાલમાં અમદાવાદમાં લીંબુના ભાવમાં 400 ગણો વધારો ઝિંકાયો છે. ઉનાળા સિવાયના દિવસોમાં રૂપિયા 25ના કિલો લેખે મળતા હતા. પરંતુ હાલમાં રૂપિયા 20ના માત્ર સો ગ્રામ મળે છે. ભોજનમાં ખટાશ લાવવા કોકમ અને આમલીનો ઉપયોગ વધી ગયો છે. અચાનક ભાવ વધતાં ગૃહિણીઓએ સસ્તા શાકભાજી માટે કાલુપુર અને જમાલપુર માર્કેટમાં પતિદેવોને સાથે જઈને ખરીદી કરવાનું ચાલુ કર્યુ છે. ઉનાળામાં શેરડીનો રસ, છાશ અને તરબૂચનું ધૂમ વેચાણ થતુ હોય છે. પરંતુ ગરમી સામે રક્ષણ આપતી આ તમામ ચીજોના ભાવમાં પણ વધારો નોંધાયો છે. સામાન્ય દિવસોમાં રૂપિયા 10માં મળતી છાશના રૂપિયા 15 થી 20 થઈ ગયા છે. જયારે તરબૂચના હોલસેલ માર્કેટમાં રૂપિયા 240માં 20 કિલો લેખે વેચાઈ રહ્યા છે. જયારે રિટેઈલ માર્કેટમાં રૂપિયા 25નું કિલો લેખે વેચાણ થાય છે. ઉનાળામાં ગરમીની શરૃઆત થતા જ લીંબુનો વપરાશ વધી ગયો છે. જેના લીધે રૂપિયા 25ના કિલોએ મળતા લીંબુ અત્યાર રિટેઈલમાં રૂપિયા 20માં 100 ગ્રામ મળે છે. એટલે રૂપિયા 200 કિલોમાં લીંબુ વેચાઈ રહ્યાં છે. લીલા શાકભાજી પણ મોંઘાદાટ બની ગયાં છે. શાકભાજીના ભાવમાં રૂપિયા 10 થી 20નો વધારો થયો છે. જો કે, આગામી દિવસોમાં શાકભાજીના ભાવો વધવાના એંધાણ વેપારીઓ આપી રહ્યાં છે. બીજી તરફ કાલુપુર અને જમાલપુર શાક માર્કેટમાં લીંબુ અને શાકભાજી સસ્તા મળતા હોવાથી ગૃહિણીઓએ ખરીદી કરવાનું શરૂ કરી દીધું છે. કાલુપુર અને જમાલપુર શાક માર્કેટમાં ભાવો સસ્તા હોય છે પણ બે કિલોથી પાંચ કિલો ખરીદે તો સસ્તું પડે છે.