શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 26 માર્ચ 2018 (12:14 IST)

ગુજરાત અગનભઠ્ઠીમાં, સાત શહેરમાં પારો ૪૦ ડિગ્રીને પાર

ગુજરાતમાં ઉનાળાએ આખરે અસલ મિજાજ  બતાવવાનું શરૃ કરી દેતા ૧૧ શહેરમાં ગરમીનો પારો ૩૯ ડિગ્રીને પાર થયો છે. જેમાં વેરાવળ સૌથી વધુ ૪૧ ડિગ્રીમાં શેકાયું હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તરીય પૂર્વના પવનના કારણે આગામી ૪૮ કલાક હીટ વેવની અસર જોવા મળશે. આજે વેરાવળ ઉપરાંત, પોરબંદર, સુરત, સુરેન્દ્રનગર, ભૂજ, રાજકોટ, અમરેલી એમ છ શહેરમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રીથી વધુ નોંધાયો હતો. હવામાન વિભાગે જણાવ્યું છે કે, 'ઉત્તરથી ઉત્તરપૂર્વીય પવન ફૂંકાઇ રહ્યો છે અને આગામી બે-ત્રણ દિવસમાં સરેરાશ મહત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રી સુધીનો વધારો થઇ શકે છે. ગરમીની સૌથી વધુ અસર સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના વિસ્તારમાં જોવા મળશે. ' આમ, છેલ્લા કેટલાક દિવસની ડબલ સિઝન બાદ હવે આખરે ઉનાળાનો સત્તાવાર પ્રારંભ થઇ ગયો છે. અમદાવાદમાં ૩૯.૩ ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. આગામી ત્રણ દિવસ અમદાવાદમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રીને પાર થાય તેવી પૂરી સંભાવના છે. અમદાવાદમાં છેલ્લા ત્રણ વર્ષથી માર્ચ મહિનામાં જ ગરમીનો પારો ૪૧ ડિગ્રીને પાર થતો આવ્યો છે. જેમાં ૨૮ માર્ચ ૨૦૧૭ના ૪૨.૮ ડિગ્રી ગરમી નોંધાઇ હતી, જે છેલ્લા પાંચ વર્ષમાં માર્ચમાં નોંધાયેલી સૌથી  વધુ ગરમી છે.