શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 28 માર્ચ 2018 (14:06 IST)

નોકરી હોય તો સરકારી સ્કૂલોના શિક્ષકો જેવી, 50 હજાર પગાર સાથે 365 દિવસમાંથી 160 દિવસ રજા

રાજકોટ સહિત રાજ્યની મહાપાલિકા, જિલ્લા પંચાયત વગેરે સંચાલિત સરકારી શાળાઓમાં ફરી લાંબુ વેકેશન (અને વિદ્યાર્થીઓ માટે અનધ્યયન) તા.૧ મેથી તા.૪-૬-૧૮ સુધી પૂરા ૩૫ દિવસનું વેકેશન શરુ થશે. આ ઉપરાંત સાપ્તાહિક રજા,કેઝ્યુઅલ સહિતની લીવ (રજા), આ વર્ષમાં ૨૩ જાહેર રજા (૪ રજા રવિવારે હોય તે ઉપરાંત),૨૧ ર્દિવસ શિયાળું વેકેશન ઉપરાંત નાગપાંચમ સહિતની ત્રણ સ્થાનિક રજા વગેરેને ગણતા શિક્ષકોએ ૩૬૫ દિવસમાંથી આશરે ૧૬૦ દિવસનું એટલે કે અર્ધુ વર્ષ રજા હોય છે. મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું બજેટ જુઓ તો તેમાં શિક્ષણ કે બાળકો માટે નહીંવત્ ખર્ચ હોય છે, મુખ્ય ખર્ચ ૧૦૦ કરોડથી વધુ માત્ર શિક્ષકોનો પગારખર્ચ હોય છે. ઉંચો પગાર વાલીઓને નડતો નથી પણ નીચું શિક્ષણ સ્તરના કારણે ગરીબ વાલીઓ પણ આર.ટી.ઈ. હેઠળ ખાનગી સ્કૂલોમાં પોતાના બાળકોને ભણાવવા માટે ભારે હેરાનગતિ ભોગવતા હોય છે. કારણ કે સરકારી સ્કૂલોમાં ભણાવાતું નથી તેવી છાપ પડી છે. આ છાપ ત્યારે સુધરે જ્યારે કેટલી રજા, આગળ પાછળની રજા, પગાર, ઈન્ક્રીમેન્ટ, પોશ વિસ્તારની કે ઘર નજીકની સ્કૂલમાં બદલી કરાવવી, એલ.ટી.સી., કામનું ભારણ ઓછુ કરવું, ભણાવવા સિવાયના કામનો વિરોધ, શિક્ષણનો સમય આઠથી ઘટાડી પાંચ કલાક વગેરે જેવી બાબતોને તો મહત્વ અપાતું રહે છે પણ 'સરકારી સ્કૂલમાં કોર્પોરેટરો,અધિકારીઓ,શિક્ષકો, ધનિકો પોતાના સંતાનોને બેસાડે કેમ નહીં? એવા સવાલ સાથે શિક્ષણનું સ્તર સુધારવા કોઈ ઝૂંબેશ થતી નથી. શિક્ષણનું સ્તર સુધારવાના નામ પર સરકાર આગામી તા.૬થી ૭ એપ્રિલ દરમિયાન 'ગુણોત્સવ' યોજી નાંખશે, અને વેકેશન બાદ 'પ્રવેશોત્સવ' પણ ઉજવાશે જેમાં નેતાઓ હોંશે હોંશે હાજર રહે છે. પણ આનાથી શૈક્ષણિક સ્તર કેટલું સુધર્યું તે જોવા પછી કોઈસ્કૂલે ફરકતું નથી. સરકાર એકતરફ ખાનગી સ્કૂલોની તોતિંગ ફી ઘટાડી શકી નથી તો બીજી તરફ પોતાની સ્કૂલોનું શૈક્ષણિક સ્તર વધારી શકતી નથી અને તેનો ભોગ ગરીબ-મધ્યમવર્ગીય વાલીઓ જ બને છે. રાજકોટ મ્યુનિ.સ્કૂલોમાં જો કે કેટલાક સમયથી આવકાર્ય એવી ઈતર પ્રવૃતિ, કાર્યક્રમોનું પ્રમાણ વધ્યું છે પણ તેની પહેલા મૂળ શિક્ષણનું સ્તર જે લોકોને જોઈએ છે તેવું થાય તે માટે પૂરતો પગાર લીધા પછી પૂરતી મહેનતની જરૃર છે. વધુ એક ૩૫ દિવસનું ઉનાળુ વેકેશન પછી ૨૧ દિવસનું શિયાળુ વેકેશન વગેરે રજાઓ માણવાને બદલે તેનો એક વખત બાળકોના, વિદ્યામંદિર એવી સ્કૂલોના હિત માટે ઉપયોગ કરવાનું વિચારવાની જરૃર છ તો નેતાઓ, શિક્ષકો, સરકારી કર્મચારીઓએ પોતાના સંતાનોને સરકારી સ્કૂલમાં ભણાવવા મુકીને લોકોને આ મુદ્દે પ્રેરણા આપવી જોઈએ પણ તેમ થતું નથી. આથી મનપા સંચાલિત સ્કૂલો જે એક સમયે ૧૦૮ હતી તે ઘટીને ૮૦ અને આ વર્ષે તો ૭૭ થઈ ગઈ છે અને પગાર ખર્ચ ખાસ્સો વધ્યો છે.