શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 4 જુલાઈ 2018 (15:45 IST)

દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ : રાજ્યના ૮૭ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ

અમદાવાદ, રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસાવ્યો છે. નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં ૧૮૬ મી.મી., નવસારીમાં ૧૭૬ મી.મી. મળી કુલ બે તાલુકામાં સાત ઇંચ, સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં ૧૪૭ મી.મી., વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં ૧૫૫ મી.મી. મળી કુલ બે તાલુકામાં છ ઇંચ અને સુરત જિલ્લાના સુરત શહેરમાં ૧૨૪ મી.મી., નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં ૧૨૫ મી.મી., વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ૧૪૨ મી.મી. મળી કુલ ત્રણ તાલુકાઓમાં પાંચ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. 

    રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા.૦૪/૦૭/૨૦૧૮ને સવારે ૭.૦૦ કલાકે પુરા થતા ચોવીસ કલાક દરમિયાન કામરેજ તાલુકામાં ૧૦૯ મી.મી., પલસાણા તાલુકામાં ૧૧૩ મી.મી., ગણદેવી તાલુકામાં ૧૧૨ મી.મી., ધરમપુર તાલુકામાં ૧૦૩ મી.મી., ઉના તાલુકામાં ૧૦૪ મી.મી. અને જાફરાબાદ તાલુકામાં ૯૯ મી.મી. મળી કુલ છ તાલુકાઓમાં ચાર ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. 

    આ ઉપરાંત રાજ્યના ગીરગઢડા તાલુકામાં ૮૧ મી.મી., વાલોડ તાલુકામાં ૭૫ મી.મી., બારડોલી તાલુકામાં ૯૫ મી.મી., મહુવા(સુરત)માં ૯૬ મી.મી., વલસાડ તાલુકામાં ૮૮ મી.મી. અને વધઇ તાલુકામાં ૭૪ મી.મી. મળી કુલ છ તાલુકાઓમાં ત્રણ ઇંચથી વધુ; જ્યારે જામજોધપુર તાલુકામાં ૬૦ મી.મી., પોરબંદર તાલુકામાં ૫૩ મી.મી., કેશોદ તાલકામાં ૬૧ મી.મી., મેંદરડા તાલુકામાં ૫૯ મી.મી., વેરાવળ તાલુકામાં ૬૧ મી.મી., રાજુલા તાલુકામાં ૭૧ મી.મી., મહુવા(ભાવનગર) તાલુકામાં ૫૦ મી.મી., અંકલેશ્વર તાલુકામાં ૫૨ મી.મી., નેત્રંગ તાલુકામાં ૫૫ મી.મી., સોનગઢ તાલુકામાં ૫૦ મી.મી., વ્યારા તાલુકામાં ૬૫ મી.મી., ડોલવણ તાલુકામાં ૬૫ મી.મી., માંગરોળ તાલુકામાં ૫૫ મી.મી. અને ખેરગામ તાલુકામાં ૫૪ મી.મી. મળી કુલ ૧૪ તાલુકાઓમાં બે ઇંચથી વધુ; જ્યારે ૨૪ તાલુકાઓમાં એક ઇંચથી વધુ અને અન્ય ૩૦ તાલુકાઓમાં અડધો ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. 


    આ સાથે ચાલુ મોસમનો રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૧૧.૭૦ ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ રીજીયનમાં ૧ ટકા, ઉત્તર ગુજરાત રીજીયનમાં ૯.૨૩ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૮.૮૪ ટકા, સૌરાષ્ટ્ર રીજીયનમાં ૭.૪૫ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૧૮.૫૩ ટકા જેટલો સરેરાશ વરસાદ નોંધાયેલ છે.