મંગળવાર, 31 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 24 ઑગસ્ટ 2018 (12:47 IST)

હાર્દિકને સમર્થન આપવા આવી રહેલા 15 આંદોલનકારીઓની ધરપકડ કરાઈ

અમદાવાદમાં હાર્દિક પટેલનાં ઉપવાસ મામલાએ શહેરમાં ચકચાર મચાવી દીધી છે. હાર્દિકને સમર્થન આપવા આવી રહેલા 15 આંદોલનકારીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં પાસ કન્વીનર મનીષ દોંગાની ધરપકડ કરવામાં આવી છે. અનામત આંદોલનમાં તોડફોડ મામલે સેસન્સ કોર્ટમાં ચૂકાદો આવવાની શક્યતા નહીવત છે. જજ રજા ઉપર હોવાને કારણે ચૂકાદો આવવાની શક્યતા નહીવત છે. તો હાર્દિકે ઉપવાસ મામલે નિવેદન આપતાં જણાવ્યું હતું કે,જેલમાં પણ હું ઉપવાસ કરીશ.
આ મામલે હાર્દિક પટેલે ટ્વિટ કરીને લખ્યું છે કે, “મિત્રો, કાલે મારી જામીન અરજી રદ થઈ શકે છે. ઉપવાસ આંદોલન રોકવા માટે ગુજરાત સરકારે મારી જામીન અરજી વિરુદ્ધ કોર્ટમાં અરજી કરી છે. પરંતુ અમે ચૂપ નહીં બેસીએ, જેલમાં પણ ખેડૂતો અને અનામત માટે અનિશ્ચિતકાળના ઉપવાસ કરીશું. અમે લડીશું અને જીતીશું. ઇન્કલાબ ઝિંદાબાદ.” હાર્દિક પટેલ 25 ઓગસ્ટથી ઉપવાસ પર ઉતરવાનો છે ત્યારે જો તેની ધરપકડ કરવામાં આવશે તો હાર્દિક પટેલ જેલમાં ઉપવાસ કરશે. હાર્દિકે જણાવ્યું હતું કે, કોર્ટનો આદેશ શિરોમાન્ય રહેશે. જો જેલમાં જવું પડશે તો જેલમાં ઉપવાસ કરીશ. હું સત્યના માર્ગે લડાઈ લડીશ. કોઈના દબાણને વશ થઈને લડાઈ છોડી દઈશ નહી.
પાટીદાર આંદોલન વખતે રામોલના કોર્પોરેટર પંકજ પટેલના ઘરે 20 માર્ચ 2017ના રોજ હાર્દિક પટેલ સહિતના લોકોએ તોડફોડ કરી હતી. આ મામલે કોર્ટે રામોલમાં ન જવાની શરતે જામીન આપ્યા હતા. ત્યારબાદ 3 જાન્યુઆરી-18ના હાર્દિક રામોલમાં ગયો હતો જેથી કોર્ટની શરત ભંગ થવાથી જામીન રદ્દ કરવા માંગ કરવામાં આવી હતી. રામોલમાં થયેલી તોડફોડના કેસ મામલે હાર્દિક પટેલની જામીન અરજી સામે સરકારે હાર્દિકની જામીન અરજી રદ કરવાની અરજી કરી છે. હવે જો સેશન્સ કોર્ટ હાર્દિક પટેલની જામીન અરજી રદ કરશે તો તેણે જેલમાં જવું પડી શકે છે. હાર્દિકના રામોલમાં પ્રવેશને લઇને પણ સરકારી વકીલ તરફથી વાંધો ઉઠાવામાં આવ્યો હતો. વકીલ તરફથી દલીલ કરાઇ હતી કે રામોલમાં હાર્દિકના કોઈ સગાસબંધી પણ રહેતા નથી. હાર્દિકના જામીન રદ્દ કરવા માટે ત્રણ અલગ અલગ પોલીસ અધિકારીઓએ ગુપ્ત રિપોર્ટ કોર્ટમાં રજૂ પણ કર્યો છે.