સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 20 સપ્ટેમ્બર 2018 (13:05 IST)

દેશમાં સૌ પ્રથમ રીસર્ચ અને ઇનોવેશન આધારિત યુનિવર્સિટી ગુજરાતમાં બનશે

ગુજરાત સરકારે તાજેતરમાં યોજાયેલ વિધાનસભાસત્રમાં ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીની સ્થાપના માટેનું વિધેયક મંજુર કરાવ્યું છે. આ યુનિવર્સિટી સમગ્ર દેશમાં સૌ પ્રથમ વાર રીસર્ચ અને ઇનોવેશન આધારિત અભ્યાસક્રમ પર આધારિત છે. આ યુનિવર્સિટી માટે વૈશ્વિક સ્તરે રીસર્ચ અને ઇનોવેશન ક્ષેત્રે વિશ્વમાં અગ્રેસર યુનિવર્સિટી સાથે ભાગીદારી થકી વૈશ્વિક કક્ષાનું ભણતર ગુજરાતમાં ઉપલબ્ધ બને તે મુજબનું આયોજન છે. આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે પોતાની આગવી પ્રોડક્ટ, પ્રોસેસ કે પ્રોટોટાઇપ વિકસાવશે અને તેના પર આધારિત ઉદ્યોગ સ્થાપવાની પણ તાલીમ મેળવશે.
બાયોટેકનોલોજી સેક્ટરના વિકાસ માટેની મજબૂત ઇકોસિસ્ટમ માટે રાજ્ય સરકારે ગુજરાત રાજ્ય બાયોટેકનોલોજી મિશન, ગુજરાત બાયોટેકનોલોજી રીસર્ચ સેન્ટર તથા સાવલી ટેકનોલોજી અને બીઝનેસ ઇન્ક્યુબેટર જેવી સંસ્થાઓની અગાઉથી સ્થાપના કરેલ છે. આ સંસ્થાઓ રાજ્યમાં બાયોટેકનોલોજી ક્ષેત્રે સંશોધન, માનવ સંસાધન વિકાસ, નીતિ આધારિત સ્ટાર્ટઅપ તેમજ ઉદ્યોગ સાહસિકતાને વેગ આપે છે.
ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીની રચના કરતા પહેલા, રાજ્યની કુલ ૧૫ યુનિવર્સિટીના ૬૦૦ થી વધુ વિદ્યાર્થીઓનો સર્વે કરવામાં આવ્યો, જેનાં તારણો અનુસાર, મહદ્અંશે વિદ્યાર્થીઓ થીયરીટીકલ નોલેજ સાથે સંકળાયેલ હતા. મુખ્યત્વે વિદ્યાર્થીઓએ રીસર્ચ અને પ્રેક્ટિસ આધારિત પ્રોગ્રામમાં જોડાવા પોતાની ઉત્સુકતા દર્શાવી હતી. આ ઉપરાંત, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના શિક્ષણવિદો, ફેકલ્ટીઝ અને વૈજ્ઞાનિકો સાથે જરૂરી પરામર્શ પણ કરવામાં આવ્યો હતો.
રાજ્ય જ્યારે પ્રોએક્ટીવ ગવર્નન્સ અને નીતિ આધારિત પગલાઓ દ્વારા બાયોટેકનોલોજીના વિકાસને ઉત્તેજન આપી રહ્યું છે ત્યારે, વૈશ્વિક વિકાસની હરણફાળ સાથે કદમ મિલાવવા માટે એક નવા સ્કોલરલી મોડેલ (Scholarly Model) ની જરૂરિયાત વર્તાય છે કે જે રાજ્યને બાયોટેકનોલોજી ક્ષેત્રે લીડરશીપ પ્રદાન કરે. વૈશ્વિક કક્ષાનો અભ્યાસક્રમ અને રીસર્ચ અને ઇનોવેશન માટેની તકો પૂરી પાડતી ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી ના ખ્યાલને મૂર્તિમંત કરવા ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી વિધેયક વિધાનસભામાં રજુ કરવામાં આવ્યું હતું અને વિધાનસભા દ્વારા તેને મંજુરી આપવામાં આવી છે. 
યુનિવર્સિટીની વ્યવસ્થાને અમલી બનાવવા માટે જરૂરી જોગવાઈઓ ઉપરાંત આ કાયદામાં એડવાઇઝરી કાઉન્સિલની જોગવાઈ કરવામાં આવી છે, જે વખતોવખત યુનિવર્સિટીને તેની શિક્ષણ પ્રણાલી, સંશોધન પ્રણાલી અને ઉદ્યોગો સાથેના જોડાણ સહીત વ્યૂહાત્મક ફેરફારો અને જોડાણો માટે ચોક્કસ સલાહ આપશે જેથી યુનિવર્સિટીને વૈશ્વિક કક્ષાની પ્રખ્યાત / નામાંકિત યુનિવર્સિટી તરીકે વિકસાવી શકાશે.