રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 20 સપ્ટેમ્બર 2018 (12:46 IST)

કોંગ્રેસની આક્રોશ રેલીમાં પોલીસકર્મી ઘાયલ થતાં 1000 લોકો સામે ફરિયાદ

વિધાનસભાના સત્રના પ્રથમ દિવસે કોંગ્રેસ તરફથી ગાંધીનગર ખાતે ખેડૂત આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં અવ્યવસ્થા થતાં એક પોલીસકર્મી ઘાયલ થયો હતો. જ્યારે સામાપક્ષે પોલીસ તરફથી હળવો લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસકર્મીએ ગાંધીનગર સેક્ટર-7 ખાતે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. આ મામલે પોલીસે એક હજાર લોકોના ટોળા સામે જાહેરનામાના ભંગનો કેસ નોંધ્યો છે. 18મી સપ્ટેમ્બરના રોજ વિધાનસભાના સત્રના પ્રથમ દિવસે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસ તરફથી ખેડૂત આક્રોશ રેલી અને સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. 
આ સંમેલનમાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ, ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. સંમેલન બાદ કોંગ્રેસના કાર્યકરો રેલી સ્વરૂપે વિધાનસભાનો ઘેરાવ કરવા માટે નીકળ્યા હતા.રેલી સ્વરૂપે વિધાનસભાનો ઘેરાવ કરના નીકળેલા કાર્યકરોને રોકવા માટે ગાંધીનગરના રસ્તાઓ પર મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. રેલી દરમિયાન અનેક જગ્યાએ કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ દરમિયાન એક પોલીસકર્મીનું માથું ફૂટી ગયું હતું. બીજી તરફ પોલીસે હળવો લાઠીચાર્જ પણ કર્યો હતો. રેલીમાં ભાગ લઈ રહેલા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ સહિત હજાર જેટલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. બાદમાં તેમને છોડી મૂખવામાં આવ્યા હતા.
કોંગ્રેસની ખેડૂત આક્રોશ રેલી નિર્ધારિત સમય કરતા મોડી શરૂ થઈ હતી. સવારે લોકોની પાંખી હાજરીને કારણે કાર્યક્રમ મોડો શરૂ થયો હતો. બાદમાં પોલીસે કાર્યકરોની અટકાયત કરવાનું શરૂ કરતા જ રેલીમાં આવેલી લોકો વિખેરાય ગયા હતા. વિધાનસભાનો ઘેરાવ કરવાનો કોંગ્રેસના કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો.