આવકવેરો ભરવામાં ગુજરાત દેશમાં પાંચમા ક્રમે

Last Updated: ગુરુવાર, 25 જુલાઈ 2019 (12:18 IST)
ગાંધીનગર
દેશમાંથી બ્લેક ઇકોનોમી ખતમ થાય અને વ્હાઇટ ઇકોનોમીને પ્રોત્સાહન મળે તે માટે પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં લેવાઇ રહેલા નયા ભારત નિર્માણના નવા પગલાંઓમાં ઇન્કમટેક્ષ વિભાગની અહમ ભૂમિકા રહેશે તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ભારત પાંચ ટ્રીલીયન ડોલરની આર્થિક મહાસત્તા બને તે માટે હરેક નાગરિકે ઇમાનદારીથી કરવેરાઓ થકી યોગદાન આપવાનું વાતાવરણ બનાવવું આવશ્યક છે. મુખ્યમંત્રી અમદાવાદમાં ગુજરાત ઇન્કમટેક્ષ દ્વારા ૧૫૯માં ઇન્કમટેક્ષ ડે ના ઉજવણી સમારોહમાં સંબોધન કરી રહ્યા હતા.
તેમણે આ અવસરે પ્રમાણિકતાથી વેરો ભરનારા વરિષ્ઠ કરદાતાઓ સહિત શ્રેષ્ઠ પ્રદાન કરનારા ઇન્કમટેક્ષ કર્મયોગીઓના સન્માન કર્યા હતા. વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને પુરસ્કૃત કરવા સાથે મુખ્યમંત્રીએ ઇ-કરદાતા અભિયાન અને યુવા સ્ટાર્ટઅપ માટેના ફેલીસીટેશન કેન્દ્રનો પણ પ્રારંભ કરાવ્યો હતો. ઇમાનદાર કરદાતાઓનું સન્માન થાય અને બેઇમાન દંડિત થાય એવી ક્લીન ઇકોનોમી માટે વર્તમાન કેન્દ્ર સરકાર ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી પ્રતિબધ્ધ છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.
તેમણે કહ્યું કે, ગુજરાત સસ્ટેનેબલ ડેવલોપમેન્ટમાં અગ્રેસર છે તે જ રીતે પ્રમાણિકતાથી કર ભરવામાં પણ ગુજરાત દેશમાં અગ્રેસર છે તેનું જ કારણ છે કે, આવકવેરો ભરવામાં અત્યારે ગુજરાત દેશમાં પાંચમા નંબરે છે અને તે રીતે દેશમાં ગુજરાત રોલમોડેલ બની રહેશે. આવકવેરા વિભાગ દ્વારા છેલ્લા આઠ-નવ વર્ષથી આવકવેરા દિવસની ઉજવણી કરી પીપલ ફ્રેન્ડલી વાતાવરણ બનાવવાની સારી શરૂઆત કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, તેનાથી કર નહીં ભરનારા લોકો પણ કર ભરવા માટે આગળ આવશે. ટેક્સ દ્વારા આવક દેશના વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ક્રિસ્ટલ ક્લિયર પોલિસીને કારણે ગુજરાત દેશમાં રોકાણમાં અગ્રેસર છે તથા નયા ભારતના નિર્માણમાં સંકલ્પ થી સિદ્ધિ દ્વારા ગુજરાત પાછળ નહીં રહે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો છે
આવકવેરાના પ્રધાન મુખ્ય આયુક્ત અજય કુમાર મહેરોત્રાએ જણાવ્યું કે, દેશમાં ૧૮૬૦માં સૌ પ્રથમવાર જેમ્સ વિલ્સન દ્વારા આવકવેરો દાખલ કરવામાં આવ્યો હતો અને પહેલા આવકવેરાનું કલેક્શન રૂા. ૩૦ લાખ હતું આજે તે વધીને રૂા. ૧૧.૩૦ લાખ કરોડ થયું છે. ૩૬.૫ લાખ લોકો દેશમાં આવકવેરો ભરે છે.
તેમણે વધુમાં કહ્યું કે, પર્ચેઝીંગ પાવર પેરિટીમાં વિશ્વમાં ત્રીજા નંબરે છે દેશની આવકમાં ૬૮ ટકા ટેક્ષમાંથી આવે છે. આગામી સમયમાં ગુજરાતમાંથી રૂપિયા એક લાખ કરોડનો કર ભરાતો થશે. આવકવેરા રીટર્ન ફાઇલિંગમાં ગુજરાત દેશમાં અગ્રેસર છે આવકવેરાની ફરિયાદોના નિવારણમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમાંકે છે. આ માટે દેશમાં ૨૯ કેન્દ્રો સ્થાપિત કરાયા છે તેમણે આવકવેરા વિભાગની વિવિધ પ્રક્રિયાઓની વિગતો પણ આપી હતી.


આ પણ વાંચો :