1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : રવિવાર, 20 જૂન 2021 (15:31 IST)

ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે, વરદાયિની માતાજીના કરશે દર્શન

ભારતીય જનતા પાર્ટીના નેતા અને દેશના કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ કેટલાક કાર્યક્રમોમાં ભાગ લેવા અને કેટલાક વિકાસ કાર્યોનું ઉદઘાટન કરવા માટે આજે અમદાવાદની મુલાકાતે છે. પ્રદેશ ભાજપ પ્રવક્તા યમલ વ્યાસે જણાવ્યું હતું કે કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોમવારે ગુજરાતની મુલાકાત લેશે.
 
અમિત શાહ બે દિવસના પ્રવાસ દરમિયાન તેઓ ત્રણ બ્રિજનું ઉદ્ધાટન કરશે. આ સાથે જ તેઓ APMC લોકાર્પણ અને રસીકરણ કેન્દ્રની પણ મુલાકાત કરશે. તેઓ વૈષ્ણોદેવી અને ખોરજ ફ્લાયઓવરનું લોકાર્પણ કરે તેવી પ્રાથમિક વિગતો મળી રહી છે. એસજી હાઈવે પર બની રહેલા ફ્લાયઓવર તેમના જ સંસદીય વિસ્તારમાં આવેલા છે અને તેનું ઉદ્ધાટન તેમના હસ્તે થવા જઈ રહ્યું છે. 
 
અડાલજ ફ્લાયઓવરના લોકાર્પણ દરમિયાન તેઓ હાજર રહી શક્યા નહોતા અને તે પહેલા 2 ફ્લાયઓવરનું તેમણે ઈ-લોકાર્પણ કર્યું હતું. હવે વધુ 2 ફ્લાયઓવરનું લોકાર્પણ તેઓ પોતે કરવાના છે. આ બંને ફ્લાયઓવરથી ગાંધીનગર જતા વાહનચાલકોને ટ્રાફિકમાંથી મોટી રાહત મળશે અને સાથે જ સમયની બચત થશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ તેમની સાથે જોડાય તેવી શક્યતાઓ છે.
 
કલોલમાં એપીએમસીના નબા બિલ્ડીંગનું અમિત શાહ ઉદઘાટન કરશે. ત્યાર બાદ કેન્દ્રીય ગૃહમંત્રી  કોલવડામાં પે સેન્ટર સ્કુલ  અને રૂપાલ પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાં રસીકરણની કામગીરીને નિહાળશે. આ તમામ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ અમિત શાહ રૂપાલમાં શક્તિપીઠ વરદાયિની માતાજીના મંદિરના દર્શનાર્થે પણ જશે.
 
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની તેમના સંસદીય મતવિસ્તાર સિંધુભવન રોડ ખાતે 22 જૂને વિશેષ રીતે બનાવાઈ રહેલા જંગલ સમાન વિસ્તારમાં વૃક્ષારોપણ કરશે. 7680 ચો.મી. જગ્યા પર 25 હજાર વૃક્ષો ઉછેરાશે. ગૃહમંત્રી અમિત શાહ તે પહેલા 21મીએ વેક્સિનેશનને પ્રોત્સાહન આપવા માટેના એક કાર્યક્રમમાં પણ હાજરી આપશે. વૈષ્ણોદેવી સર્કલ અને ખોડિયાર ફ્લાયઓવરનું 21મીએ ઉદઘાટન કરશે.
 
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેષ બારોટે જણાવ્યું હતુંકે, સિંધુભવન રોડ પર નિરાંત વિલાની સામે આવેલા ખુલ્લા પ્લોટમાં મીયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ કરવામાં આવશે. જેમાં કદમ, વડ, પીપળો, ઉમરો, ખાટી આંબલી, કાસી, ગુંદા, નગોડ સહિતના કુલ 45 પ્રકારના વૃક્ષો વાવવામાં આવશે. આ ઉપરાંત આ સ્થળે ચાલવા માટેની જગ્યા, કસરત માટેના સાધનો, વનકુટીર પણ મુકાશે. જેથી લોકો પૂર્ણ ઓક્સિજનથી ભરપૂર વિસ્તારમાં ચાલી તેમજ કસરત કરી શકશે.
 
મીયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ કરવામાં આવતાં જ તે વૃક્ષો 10 ગણા જલ્દી વિકાસ પામશે. સાથે 30 ગણા કાર્બન ઉત્સર્જનનું શોષણ કરશે. જેથી આસપાસના વિસ્તારની હવા વધુ શુદ્ધ બનશે.