ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 28 સપ્ટેમ્બર 2019 (11:28 IST)

પ્રવાસન ક્ષેત્રે ગુજરાતને મળ્યા ત્રણ એવોર્ડ, અમદાવાદ હેરિટેજ વોક અને ધોરડો કચ્છની પસંદગી

રાજ્યમાં પ્રવાસન વિભાગ દ્વારા શ્રેષ્ઠ કામગીરી અને રાજ્ય સરકારના હકારાત્મક પ્રયત્નોના પરિણામે રાજ્યનું પ્રવાસન ક્ષેત્ર રાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત થયું છે. રાજ્યના પ્રવાસન વિભાગને ત્રણ રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત થયા છે. શુક્રવારે વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણી ગાંધીનગર ખાતે થઇ હતી. તેમાં આ મહત્વની જાહેરાત રાજ્યના પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ કરી હતી અને જણાવ્યું હતું કે, વિશ્વ પ્રવાસન દિવસની રાષ્ટ્રીય કક્ષાની દિલ્હી ખાતે થયેલી ઉજવણી દરમિયાન ગુજરાત રાજ્યને વિવિધ ત્રણ એવોર્ડ મળ્યા છે. પ્રવાસન ઉદ્યોગને વેગવાન બનાવવાના રાજ્ય સરકારના પ્રયાસોને પરિણામે આ સિદ્ધિ હાંસલ થઇ છે. જેમાં વર્ષ ૨૦૧૭-૧૮ માટે ત્રણ નેશનલ ટુરિઝમ એવોર્ડ પ્રાપ્ત થયા છે જે ગુજરાત માટે ગૌરવ સમાન છે. 
રાજ્યના પ્રવાસન વિભાગને જે ત્રણ એવોર્ડ મળ્યા છે એમાં બેસ્ટ સિવિક મેનેજમેન્ટ ઓફ ટુરિસ્ટ ડેસ્ટીનેશન ઇન ઇન્ડિયા (કેટેગરી-એ) માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પસંદગી થઇ છે. એ જ રીતે મોસ્ટ રીસ્પોન્સીબલ ટુરિઝમ પ્રોજેકટ ઇનીસ્યેટીવ માટે કચ્છ જિલ્લાના ધોરડોની પસંદગી થઇ છે  જે સિદ્ધિ રણોત્સવના પરિણામે મળી છે. આ ઉપરાંત બેસ્ટ હેરિટેજ વોક માટે અમદાવાદ હેરીટેજ વોકની પસંદગી થઇ છે. જેના પરિણામે રાજ્યમાં પ્રવાસન પ્રવૃત્તિને વેગ મળશે અને પ્રવાસીઓને આકર્ષવામાં ચોક્કસ બળ મળશે
.