રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 21 એપ્રિલ 2020 (15:41 IST)

કોરોનાને કાબૂમાં લેવા સરકારે ખેલ્યો નવો ખેલ, આ 8 IAS અધિકારીઓને સોંપી જવાબદારી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમગ્ર રાજ્યમાં વધી રહેલા કોરોના વાયરસ કોવિડ-૧૯ના સંક્રમણને નિયંત્રણમાં રાખવા સાથે સારવારમાં એકસૂત્રતા અને સંકલન માટે રાજ્યના ૮ જેટલા વરિષ્ઠ IAS અધિકારીઓને વધારાની જવાબદારી સોંપી છે. મુખ્યમંત્રીએ કોરોના વાયરસ કોવિડ-૧૯ના સંક્રમિત વ્યકિતઓને શોધી કાઢવા સઘન ટેસ્ટીંગ અને પોઝિટીવ કેસોની ગહન સારવાર સુશ્રુષા માટેનું સંકલન કરીને રાજ્યમાં કોરોના નિયંત્રણમાં રાખવાની વ્યૂહરચના ઘડી છે. મુખ્યમંત્રીએ આ હેતુસર મુખ્ય સચિવ અનિલ મૂકીમ અને મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન સાથે અગત્યની બેઠક યોજીને આ વરિષ્ઠ અધિકારીઓને તાત્કાલીક અસરથી જવાબદારીઓ સોંપવાના આદેશો કર્યા છે. 
 
આ વરિષ્ઠ IAS અધિકારીઓ તેમને સોંપાયેલી કામગીરી અન્વયે અમદાવાદ, વડોદરા, સહિત રાજ્યના જિલ્લાઓમાં સ્થાનિક સંનિષ્ઠ અધિકારીઓ, શહેરી અને જિલ્લા તંત્રવાહકોની કામગીરીમાં માર્ગદર્શન કરશે અને મદદરૂપ થશે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આ અંગેની વધુ વિગતો આપતાં કહ્યું કે, વિજય રૂપાણીએ કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમાર, શહેરી વિકાસ અધિક મુખ્ય સચિવ મૂકેશ પૂરી, પંચાયત-ગ્રામવિકાસ અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશ તેમજ શિક્ષણ સચિવ વિનોદ રાવ, આર્થિક બાબતોના સચિવ મિલીન્દ તોરવણે, મહિલા બાળકલ્યાણ સચિવ મનિષાચન્દ્રા અને પ્રવાસન નિગમના એમ.ડી. જેનુદેવન તેમજ આદિજાતિ વિકાસ કમિશનર દિલીપ રાણાને વિવિધ જવાબદારીઓ સોંપી છે. 
 
રાજ્યમાં તા. ર૦ એપ્રિલ સોમવારથી મહાનગરપાલિકા-નગરપાલિકા હદ વિસ્તાર સિવાયના વિસ્તારોમાં ઊદ્યોગ એકમો ભારત સરકારના દિશાનિર્દેશોને આધિન રહીને શરૂ કરવાના મુખ્યમંત્રીના નિર્ણયને પગલે આજે રાજ્યમાં અંદાજે ૪૦૦૦ ઊદ્યોગો કાર્યરત થયાની માહિતી પણ મુખ્યમંત્રીના સચિવએ આપી હતી. 
 
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, અમદાવાદ જિલ્લામાં ૭૦૦, રાજકોટ જિલ્લામાં ૬૦૦, સુરત જિલ્લામાં ૧પ૦, કચ્છ જિલ્લામાં ૭પ૦, વડોદરા જિલ્લામાં ર૦૦ અને મોરબીમાં ૪૦૦ તેમજ ભરૂચ જિલ્લામાં ૪પ૦ ઊદ્યોગો કાર્યરત થયા છે. મુખ્યમંત્રીના સચિવે સ્પષ્ટપણે જણાવ્યું કે, આ ઊદ્યોગ એકમોમાં સોશિયલ ડિસ્ટન્સીંગ તેમજ શ્રમિકો-કર્મચારીઓની આરોગ્યરક્ષા માટેના પુરતા પ્રબંધો ભારત સરકારની ગાઇડલાઇન્સ મુજબ કરવાની સુચનાઓનું પાલન આવશ્યક છે.
 
પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતીમાં અંત્યોદય ૬૬ લાખ ગરીબ પરિવારો જે NFSA અંતર્ગત અનાજ મેળવે છે તેમના બેન્ક ખાતામાં આર્થિક આધાર રૂપે ૧ હજાર રૂપિયા રાજ્ય સરકાર જમા કરાવશે તેવી મુખ્યમંત્રીની જાહેરાતની ફલશ્રુતિએ આજે તા. ર૦ એપ્રિલ, સોમવારથી આવા પૈસા-સહાય જમા કરાવવાનો રાજ્યવ્યાપી પ્રારંભ થયો છે. મુખ્યમંત્રીના સચિવે આ અંગે કહ્યું કે, બહુધા આદિજાતિ વસતી ધરાવતા દાહોદ, છોટાઉદેપૂર, અરવલ્લી, મહિસાગર, સાબરકાંઠા અને પંચમહાલ જિલ્લામાં આવા લાભાર્થીઓના બેન્ક ખાતામાં DBTથી સહાય જમા કરાવવાના ભાગરૂપે ૬.પ૦ લાખ રૂપિયા જમા કરાવાયા છે. 
 
તેમણે લોકડાઉનના સત્તાવીસમાં દિવસે રાજ્યમાં જીવનજરૂરી ચીજવસ્તુઓની ઉપલબ્ધિની માહિતી આપતાં જણાવ્યું કે, રાજ્યમાં સોમવારે ૪૬.૬૦ લાખ લિટર દૂધનું વિતરણ તેમજ ૯પ૧૭ર કવીન્ટલ શાકભાજીનો આવરો થયો છે. આ શાકભાજીમાં મુખ્યત્વે બટાટા ૧પ૭૭૬ કવીન્ટલ, ડુંગળી ૩૯૧૦૦ કવીન્ટલ, ટામેટા પ૩૯૬ કવીન્ટલ અને અન્ય લીલા શાકભાજી ૩૪૮૯૮ કવીન્ટલ છે. રાજ્યમાં ફળોની આવક ૧૦,૧૪૮ કવીન્ટલ રહી છે.