રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: મંગળવાર, 21 એપ્રિલ 2020 (12:16 IST)

ગુજરાતમાં કુલ પોઝિટીવ દર્દીઓની સંખ્યા 2066 થઈ, કુલ 77 લોકોનાં મોત

રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીના નવા 127 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 2066 થઇ છે. જ્યારે વધુ 6 લોકોના મોત નીપજતાં રાજ્યમાં કુલ મૃત્યુઆંક 77એ પહોંચ્યો છે. છેલ્લા 12 કલાકમાં રાજ્યમાં અમદાવાદ કરતા સુરતમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. નવા પોઝિટિવ કેસો અંગે માહિતી આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, સુરતમાં 69, અમદાવાદમાં 50 કેસ નોઁધાયા છે. આ ઉપરાંત રાજકોટમાં 2, અરવલ્લી, ગીર-સોમનાથ, તાપી અને ખેડામાં 1-1 અને વલસાડમાં 2 કેસ નોઁધાયા છે.
તાપી અને વલસાડ નવા જિલ્લા સાથે રાજ્યના 27 જિલ્લાઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. આ 27 જિલ્લામાંથી ગાંધીનગર શહેર, જામનગર, પોરબંદર, મોરબી અને સાબરકાંઠા કોરોનામુક્ત થયા છે.  છેલ્લા 24 કલાકમાં 3339 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 215 પોઝિટિવ અને 3124 નેગેટિવ આવ્યા છે.પોરબંદરમાં 3, સાબરકાંઠામાં 2 જ્યારે મોરબીમાં 1 કેસ નોંધાયા બાદ તેઓ સહુને સાજા થવા બદલ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં 24 કલાક દરમિયાન 26 લોકોને સાજા થતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.
તેમાં માત્ર અમદાવાદના જ 20 દર્દીઓને સોમવારે હોસ્પિટલમાંથી સાજા થતાં રજા આપવામાં આવી હતી. કુલ 131ને ડિસ્ચાર્જ કરાયા છે. રાજ્યમાં અમદાવાદના કોટ વિસ્તાર સહિત સુરત અને રાજકોટમાં કરફ્યુ લંબાવવામાં આવ્યો છે, રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ આ અંગેની જાહેરાત કરતા કહ્યું કે, રાજ્યના મોટાભાગના કેસ આ ત્રણેય શહેરોમાં નોંધાયા છે. જેને પગલે આ ત્રણેય શહેરમાં 24 એપ્રિલના સવારના 6 વાગ્યા સુધી કરફ્યુ લંબાવવામાં આવ્યો છે. અમદાવાદમાં 34 મોતમાંથી 25 મોત કોટ વિસ્તારના દર્દીના થયા છે. તેમજ રાજકોટમાં પણ 38 દર્દીમાંથી 30 દર્દી જંગલેશ્વરમાં નોંધાયા છે.