શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: સોમવાર, 20 એપ્રિલ 2020 (15:29 IST)

અમદાવાદના 125થી વધુ દર્દીઓમાં કોરોનાનું એક પણ લક્ષણ દેખાતું નથી

અમદાવાદમાં હાલ નોંધાયેલા કોરોનાના દર્દીઓમાં 125થી પણ વધુ દર્દીઓ એવા છે, જેમનામાં કોરોના પોઝિટીવ હોવાનું કોઈ જ શારીરિક લક્ષણ દેખાતું નથી. કોઈને ય તાવ, શરદી- ખાંસી, ગળાનો દુઃખાવો, સાંધાનો દુઃખાવો, શ્વાસમાં તકલીફ જેવું કશું જ નથી. આવા દર્દીઓ તેમનો રિપોર્ટ પોઝિટીવ જોઈને આશ્ચર્ય અનુભવતો હોય છે.આ પ્રકારના દર્દીઓને પહેલા સિવિલ કે એસવીપી હૉસ્પિટલમાં દાખલ કરાતા હોય છે. ત્યાંના ડૉક્ટરો તેમની વધુ ઉંડાણથી તપાસ કરીને એ બાબતનો નિર્ણય લેતા હોય છે કે તેમને હૉસ્પિટલમાં રાખવાની જરૂર છે કે નહીં. જો જરૂર જેવું ન જણાય તો તેમને 132 ફૂટના રોડ પર નવી જ બંધાયેલી કરાયેલી અને સમરસ હોસ્ટેલ ખાતે ઉભા કરાયેલા કોવિડ કેર સેન્ટરમાં ટ્રાન્સફર કરાય છે. હાલ આ સેન્ટરમાં 30 જેટલા દર્દીઓ છે. જ્યાં ડોક્ટરો, પેરા મેડિકલ સ્ટાફ, સમય પસાર કરવા ટી.વી., વાઇફાઇ વગેરેની સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.  24 કલાક એમ્બ્યુલન્સ પણ રખાતી હોય છે, કોઈની તબિયત બગડે તો તુરત તેમને હૉસ્પિટલમાં લઈ જવા પડતા હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ દાણીલીમડા, બહેરામપુરા, જમાલપુરમાંથી સફી મંઝીલ વગેરે દર્દીઓમાં પણ કોઈ જ લક્ષણ ના હોવાથી તેઓ ટેસ્ટને જ શંકાની નજરે જોવા માંડયા હતા અને એ પ્રકારના વિડિયો વાયરલ કર્યા હતા. હૉસ્પિટલમાં દાખલ નહી થવા માટે પણ ભારે હોબાળો મચાવ્યો હતો.  પોલીસ અને મ્યુનિ.ના અધિકારીઓને સમજાવતા દમ નીકળી ગયો હતો. આ પ્રકારના દર્દીઓમાં લક્ષણો દેખાય ત્યારે જો તે હોસ્પિટલમાં આવે તો ઘણાં બધા આજુબાજુવાળા, કુટુંબીજનો તેમજ ધંધાકીય સંબંધોવાળા તમામને ચેપ લગાવી ચૂક્યો હોય છે. આ જોતાં તેઓ વહેલા પોઝિટીવ હોવાનું જણાય તો પ્રશ્ન હળવો થાય છે.