મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 29 નવેમ્બર 2019 (17:31 IST)

મધ્યપ્રદેશના વ્યાપમ કરતાં પણ મોટું કૌભાંડ સરકારી ભરતીમાં ચાલે છે: કોંગ્રેસ

ગત તા. 17 નવેમ્બરના રોજ લેવાયેલી બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા મુદ્દે કોંગ્રેસ આકરા પાણીએ થઈ છે. આ અગાઉ પેપરલીકના કારણે પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. જે બાદ ફરીથી લેવાયેલી પરીક્ષામાં પણ પેપરના સીલ તૂટ્યા હોવાની ફરિયાદ ઉઠી છે ત્યારે પરીક્ષામાં ગેરરિતી કેવી રીતે આચરવામાં આવી તેના પુરાવા આપ્યા છે.

કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ આ CCTV ઉજાગર કરતા જણાવ્યું કે, ગુજરાતમાં ભાજપના શાસનમાં શિક્ષણ મોંઘું થયું, ખાનગરીકરણ થયું છે. આવામાં યુવા વર્ગ ભણીને બહાર આવે અને પરીક્ષામાં આવા પ્રકારની ગેરરીતિ સામે આવે છે. પરીક્ષાર્થીઓની નોકરી મેળવવાની અપેક્ષાઓ ઠગારી નીવડી છે. સરકારી નોકરીની ભરતીમાં અનેક કૌભાંડ આવ્યા છે. આંદોલન થયા છતાં સરકાર મિલીભગતના કારણે મળતીયાઓને લાભ અપાવવા માટે પારદર્શક ભરતી કરતી નથી.

તેમણે કહ્યું, બિનસચિવાલય પરીક્ષામાં વ્યાપક પ્રમાણમાં પેપર લિક થયા છે. NSUIની ટીમે મહામહેનતે CCTV મેળવ્યા છે. આ બેદરકારી માત્ર સુરેન્દ્રનગરની જ નહિ, પણ અન્ય સેન્ટરોની પણ છે. પરંતુ સરકાર આ કિસ્સાઓની તપાસ કરવા માંગતી નથી. મધ્યપ્રદેશના વ્યાપમ કરતાં મોટું કૌભાંડ ગુજરાતમાં સરકારી નોકરીની ભરતીમાં ચાલે છે. સરકાર ભાજપના મળતિયાઓને સરકારી નોકરીમાં ઘૂસાડવા માંગે છે. છેલ્લે થયેલી સરકારી ભરતીની પારદર્શક તપાસ થવી જોઇંએ. છેલ્લે લેવાયેલી બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં થયેલી ગેરરિતીને ધ્યાને પરીક્ષા રદ કરવી જોઈએ.