બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 29 નવેમ્બર 2019 (17:31 IST)

ગાંધીનગરમાં કન્યા કેળવણી માટે લવાયેલી 120 સાઇકલો ચાર વર્ષથી ધુળ ખાય છે

કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારની સાઇકલ સહાયની આવકારદાયક યોજના અમલમાં છે. પરંતુ તંત્રના અણઘડ વહીવટના કારણે સેંકડો સાઇકલો ઉપયોગ વગર પડી રહી છે. ગાંધીનગર ખાતેના બીઆરસી ભવન ખાતે ૧૨૦થી વધુ સાઇકલનો પડતર જથ્થો સાચવવાનું તંત્ર માટે મુશ્કેલભર્યુ બન્યુ હોવાની હકીકત સામે આવી છે.
આ અંગેની વિગતો એવી છે કે ગાંધીનગર ખાતેની સર્વ શિક્ષા અભિયાનની કચેરી દ્વારા પ્રાથમિક શિક્ષણ વિભાગના નિયામકને ઉદ્દેશીને એક પત્ર મોકલવામાં આવ્યો છે. તેમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વર્ષ ૨૦૧૫ના પ્રવેશોત્સવ દરમિયાન સાયકલ સહાય યોજના હેઠળ જૂન-૨૦૧૫માં ધો-૯માં પ્રવેશ મેળવનારી જનરલ કેટેગરીની કન્યાઓને સાઇકલની સહાય આપવાનું નક્કી કરાયુ હતું. ત્યારે જિલ્લાના ૪ તાલુકામાં અભ્યાસ કરતી કન્યાઓની સંખ્યા કરતાં ૬ હજાર સાઇકલો ઉતારવામાં આવી હતી અને કંપનીએ બીઆરસી ભવનનો ગોડાઉન તરીકે ઉપયોગ કરી સાઇકલો અન્ય જિલ્લામાં લાભાર્થી કન્યાઓ માટે મોકલી આપવામાં આવી હતી. તેમ છતાં હાલના તબક્કે ગાંધીનગર બીઆરસી ભવન ખાતે ૧૨૦ સાઇકલો કોઇ પણ ઉપયોગ વગરની પડી રહી છે. હવે બીઆરસી ભવનના રિનોવેશનની કામગારી હાથ ધરવાની હોવાથી પડી રહેલી સાઇકલો અન્ય સ્થળે ખસેડવા કાર્યવાહી કરવી જોઇએ. તે માટે યોગ્ય કાર્યવાહી કરવા પત્રમાં વિનંતી કરવામાં આવી છે. તેનો મતલબ એવો થયો કે પડી રહેલી સાઇકલો સાચવવા માટે તંત્ર માટે મુશ્કેલ બન્યુ છે.
પ્રવેશોત્સવ સમયે સરકાર દ્વારા અપાતી સાઈકલો ખુલ્લા બજારમાં વેચાતી હોવાના આક્ષેપ અગાઉ થયા હતા. ગાંધીનગરમાં સેકટર-૨૨ ખાતે આવેલા એક સાઈકલ સ્ટોરમાંથી પ્રવેશોત્સવ ૨૦૧૯-૨૦ લખેલી સાઈકલો વેચાતી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. જો કે બજારમાં વેચાયેલી સાઈકલ સેમ્પલ પીસની હોવાથી તેના વેચાણમાં કશું ખોટું ન હોવાનું વેપારીએ જણાવ્યુ હતું. વેપારીના ઉપરોક્ત ખુલાસા બાદ પણ સરકારે વિદ્યાર્થીઓ માટે ખરીદેલી સાઈકલ વેચીને રોકડી કરતી ટોળકી સક્રિય હોવાની આશંકા દૂર થઈ ન હતી.