બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 4 ડિસેમ્બર 2019 (12:13 IST)

જાણો મોદીના કયા પ્રોજેક્ટ પર ગુજરાતમાં પાણી ફરી વળ્યું

ઔદ્યોગિક વિસાકને વેગ આપવાના આશયથી ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ દહેજ-ઘોઘા રોરો ફેરી સર્વિસ લગભગ પાણીમાં ગયો છે. વર્ષ 2012માં અંદાજિત રૂપિયા 296 કરોડનો ખર્ચે આ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી. જે વર્ષ 2017માં પ્રાથમિક તબક્કે શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ ઓક્ટોબર 2018માં રોપેક્ષ ફેરી માટે વોયેજ સિપ્ફની જહાજ લાવી તેમાં વાહનોની પણ હેરાફેરીની વ્યવસ્થા કરવામાં આવી હતી. આટલા વર્ષોમાં દહેજ-ઘોઘા રોરો ફેરી સર્વિસ પાછળ રૂપિયા 615 કરોડનો ખર્ચ થયો હતો. ગુજરાત મેરીટાઈમ બોર્ડની ઢીલી કામગીરીને કારણે હવે આ ફેરીની સર્વિસ આપી રહેલી એજન્સીને મહિને અંદાજે 5 કરોડ ઉપરાંતની ખોટ જતી હોવાથી તેને પણ રસ ઊઠી ગયો છે. બીજી તરફ ગુજરાત મેરીટાઈમ બોર્ડનાં જવાબદાર અધિકારીઓ આ સંદર્ભે હાલમાં કંઈ પણ બોલવા તૈયાર નથી. દહેજ-ઘોઘા રો-રો ફેરીનો શિલાન્યાસ 25મી જાન્યુઆરી 2012ના દિવસે તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો હતો. તેનું કામ 5 વર્ષ ચાલ્યા બાદ ઓક્ટોબર 2017માં માત્ર પેસેન્જર્સ માટે શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ ઓક્ટોબર 2018માં વાહનો અને પેસેન્જર્સ બંને માટે આ સેવા શરૂ કરી હતી. માત્ર 10 મહિના જેટલી જ આ ફેરી સર્વિસ ચાલી શકી છે. આ દરમિયાન પણ અનેક વખત અડચણો આવતાં અવાર - નવાર બંધ કરવાની ફરજ પડી હતી. આ વર્ષે દિવાળી પહેલાં 23 સપ્ટેમ્બરથી બંધ કરાયેલી રોરો ફેરી સર્વિસ દહેજ ખાતે યોગ્ય ડ્રેજિંગના અભાવે શરૂ થઈ શકી નથી. રોરો ફેરીની સર્વિસ પુરૂ પાડતી એજન્સી દ્વારા હજી પણ આગામી 7 ડિસેમ્બર સુધી આ ફેરી સર્વિસ શરૂ થઈ શકે તેમ નહીં હોવાનું જણાવી દીધું છે.