સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 20 ડિસેમ્બર 2019 (17:06 IST)

રાજ્યની શાંતિમાં પલિતો ચાંપનાર તોફાની તત્વોને શોધી લેવાશે; ગૃહમંત્રી જાડેજા

ગૃહ રાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે નાગરિકતા સુધારણા કાયદાના વિરોધમાં કેટલાક સંગઠનો દ્વારા અપાયેલું બંધનું એલાન સદંતર નિષ્ફળ ગયું છે. બંધના એલાનને ગુજરાતની પ્રજાએ જાકારો આપીને રાજયની શાંતિ સલામતિ ઠહોળવાનો હિન પ્રયાસ કરનારા તત્વોને સંકેત આપી દીધો છે કે રાજયની શાણી અને સમજુ પ્રજા હવે આવા તત્વોના બહેકાવામાં આવવાની નથી.
મંત્રી જાડેજાએ કહ્યું કે રાજયમાં શાંતિ સલામતી જળવાઈ રહે તે માટે પોલીસ તંત્રએ પણ કુશળતા કુનેહથી શાંતિનું જતન કર્યુ છે. જાડેજાએ રાજયના લોકોને એમ પણ જણાવ્યું છે કે, નાગરિકતા સુધારણાના આ કાયદાથી એકપણ ભારતીય નાગરિકની કાયદેસરની નાગરિકતા સામે કોઈપણ પ્રકારને ફેરફાર થવાનો નથી કે નાગરિકતા છીનવાઈ જવાની થી. આમ છતા કોંગ્રેસ સહિતના કેટલાક પક્ષો અને તત્વો લોકોને ભરમાવી ગેરમાર્ગે દોરી બંધના એલાન આપી રહ્યા છે. રાજયની પ્રજાએ એકાદ બે ઘટનાઓ બાદ કરતા તેને સરેઆમ નિષ્ફળ બનાવ્યા છે. તે માટે અભિનંદન પાઠવ્યા છે.
ગૃહ રાજય મંત્રીએ આવા શાંતિ સલામતિ ડહોળવા માંગતા તત્વોને ચેતવણી આપતા જણાવ્યું છે કે આગામી દિવસોમાં પણ રાજયની શાંતિ સલામતીમાં કોઈપણ પ્રકારનો અવરોધ ઉભો થશે તો રાજય સરકાર સાખી લેશે નહીં. ગૃહ રાજયમંત્રીએ એમ પણ જણાવ્યું છે કે આજે દિવસ દરમ્યાન કયાંક કયાંક ટોળાઓએ એકત્રીત થઈને અશાંતિ સર્જવા માટેના કરેલા પ્રયાસેમાં અમારી પાસેના ઉપલબ્ધ વીડિયો-સીસીટીવી ફૂટેજમાંથી આવા તત્વોને ઓળખી કાઢીને તેમની સામે કાયદેસરના પગલા ભરવામાં આવશે. ગૃહ રાજયમંત્રીએ સ્પષ્ટ પણે જણાવ્યું કે રાજય સરકાર રાજયમાં શાંત, સલામતી અને સુરક્ષામાં કોઈપણ પ્રકારનો અવરોધ ન આવે કે જોખમ ઉભુ ન થાય તે માટે કડક પગલા ભરવા સંપૂર્ણ કટીબધ્ધ છે.