ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 11 નવેમ્બર 2021 (13:38 IST)

રમત પ્રીતિના ગર્ભ સંસ્કાર પામેલી ટચૂકડી દેવાંશિકાને ટેનિસ રમતી જોવી એક લ્હાવો છે

તમે સવારે કેટલા વાગે ઉઠો છો? કોઈ કામસર ખૂબ વહેલી સવારે ઉઠવાનું થાય તો તકલીફ અનુભવો છો? જો પહેલા સવાલનો જવાબ ૮ વાગે હોય અને બીજાનો જવાબ હા હોય તો ટચૂકડી દેવાંશિકા ને તમારે ગુરુ બનાવવી રહી. માંડ ચારેક વર્ષની ઉંમર અને ફૂટપટ્ટી થી માપો તો દોઢ પોણા બે ફૂટની ઊંચાઈ ધરાવતી આ દેવાંશિકાને વાઘોડિયા રોડ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ના ટેનિસ કોર્ટ પાસે નીવડેલા ટેનિસ ખેલાડી ની અદ્દલ સ્ટાઈલમાં ટેનિસ રેકેટ લઈને ઊભેલી જુવો તો મન મન આફ્રિન પોકારી ઉઠે.
 
આમેય લોન ટેનિસ એ કોઈ કાચા પોચા માટેની રમત નથી.પાવર ગેમ છે જે ખૂબ એનર્જી માંગી લે છે. એનું રેકેટ પકડવા મજબૂત કાંડા અને રમવા શક્તિશાળી ખભાની જરૂર પડે.અને small but wonderful કે ગુજરાતી માં નાનો પણ રાઈનો દાણો કહેવત યાદ આવી જાય એવી આ નાનકડી દીકરી નીવડેલા ટેનિસ ખેલાડીની જેમ રેકેટ વડે ,પગ આગળ પાછળ કરીને સ્ટાન્સ લઈને,પગ જમાવીને બોલને એવી રીતે ફટકારે છે કે  એ જોઈને માર્ટિના કે સ્ટેફિ ની યાદ સહજ આવી જાય. સાવ ઉગતી ઉંમરે  ટેનિસ રેકેટ પર બોલ ઝીલવો અને શોટ ફટકારવો એ કોઈ ખાવાના ખેલ નથી એ તો જેઓ  ટેનિસ રમે છે તેઓ જ કહી શકે.
હા, દેવાંશિકા ને ગર્ભ સંસ્કારમાં આ ઊર્જાવાન રમત મળી છે એવું કહી શકાય કારણ કે એના યુવાન માતા વંદનાપટેલ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ટેનિસ કોચ છે. આપણે બહુધા વડ તેવા ટેટા અને બાપ તેવા બેટા ની કહેવતો આવા કિસ્સામાં વાપરીએ છે.પણ મને તેમાં પુરુષ ની તરફદારી કે gender differences ની માનસિકતા ની ગંધ આવે છે.એટલે આ દીકરી માટે માં તેવી દીકરી કે પુત્રીના સુલક્ષણ પારણાં માં થી એવી સુધારેલી ઉકિત ઉપયોગમાં લઇ શકાય.
 
વહેલી સવારના લગભગ ૬.૩૦ વાગે,સ્કુટરની પાછળની સીટ પર માતાને વળગીને બેઠેલી,પીઠ પર નાનકડું બેક પેક લટકાવીને પ્રવેશેલી દેવાંશિકા ને જોઈએ એટલે તુરત તેના અંગે જાણવાની જિજ્ઞાસા અવશ્ય થાય.તેની હાલની રમત પ્રીતિને જોતાં તે ટેનિસની રમતમાં અવશ્ય કાઠું કાઢશે એવી અપેક્ષા સ્વાભાવિક જાગે છે. એ મોટી થઇને આ ઊર્જાવાન રમતમાં નામના મેળવે એવી શુભકામનાઓ.
 
રમત મંદિર જેવું છે વાઘોડિયા રોડનું સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ....
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા વાઘોડિયા રોડ પર મહેશ કોમ્પલેક્ષ નજીક વડોદરા મહાનગર પાલિકાના સહયોગ થી ખેલાડીઓ ના ઘડતર માટે રમત સંકુલ વિકસાવવામાં આવ્યું છે.જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર,વડોદરાના સિનિયર કોચ અને આંતર રાષ્ટ્રીય બેડમિન્ટન કોચ શ્રી જયેશ ભાલાવાલા ના નેતૃત્વ હેઠળ અહીં જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કામચલાઉ કચેરી પણ શરૂ કરવામાં આવી છે. નિવાસી તાલીમ હેઠળના રમતવીરો માટે હોસ્ટેલ બની રહી છે. અહીં વિવિધ ઇન્ડોર અને મેદાની રમતો ની તાલીમ ની સુવિધા છે જેનો ખેલાડીઓની સાથે રમતપ્રેમીઓ સાવ નજીવી ફીસ ચૂકવીને લાભ લઈ શકે છે.
 
રાજીવ ગાંધી તરણ હોજની બિલકુલ બાજુમાં આવેલી આ સુવિધાના ભાગ રૂપે લગભગ ૪૦૦ મીટરનો રાઉન્ડ ટ્રેક વિકસાવવામાં આવ્યો છે જ્યાં ભવિષ્યમાં હોકી અને ફૂટબોલ ની પ્રેક્ટિસ થઈ શકશે.હાલમાં વહેલી સવારે આ જગ્યા વ્યાયામપ્રેમીઓ થી ઉભરાતી જોવા મળે છે.વડીલજનો, વાહન અકસ્માતની ચિંતા વગર  મોર્નિંગ વોક લેવા અને યોગ કરવા અહીં આવે છે.
 
રાજ્ય યોગ બોર્ડ દ્વારા પ્રશિક્ષિત યોગ કોચીસ દ્વારા અવાર નવાર યોગ તાલીમો પણ યોજવામાં આવે છે. હાલમાં ગુજરાત પોલીસ દ્વારા ભરતી યોજવામાં આવી છે.તેમાં પસંદ થવા માટે ઉત્સુક યુવા યુવતીઓનો મોટો સમુદાય આ જગ્યાએ દોડ અને કવાયતો કરતો જોઈ શકાય છે. ડાયાબિટીસ સામેના લડવૈયા જેવા વડીલો આ મેદાન પર વોકિંગ અને એક્સરસાઈઝ કરે છે.
 
પહેલું સુખ તે જાતે નર્યા ની કહેવત પ્રમાણે તંદુરસ્ત અને સ્વસ્થ શરીર નો કોઈ વિકલ્પ નથી.રાજ્ય સરકારની આ સુવિધા આશાસ્પદ ખેલાડીઓ ને તાલીમબદ્ધ કરીને ગુજરાત માટે અને દેશ માટે ચંદ્રક વિજેતાઓને ઘડવાનું કામ કરે છે.તેની સાથે આ વિસ્તારના નિવાસીઓ ને દિવસની શરૂઆત થી જ શરીર ચુસ્ત અને મન પ્રફુલ્લિત રાખવાની સગવડ આપે છે.તેનો લાભ લેવાની તક ચૂકવા જેવી નથી.