સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 11 નવેમ્બર 2021 (13:29 IST)

આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો કરાવશે પ્રારંભ

લોકોના આરોગ્ય સુખાકારી માટે બિનચેપી રોગોની સ્ક્રીનીંગથી સારવાર સુધીના નિરામય ગુજરાત મહાઅભિયાનનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આગામી તા. ૧૨ નવેમ્બરના રોજ પાલનપુર ખાતેથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવશે. પાલનપુર જી. ડી. મોદી ખાતે યોજાનાર આ નિઃશુલ્ક મેગા કેમ્પના કાર્યક્રમને અનુલક્ષી પાલનપુર કલેકટર કચેરી ખાતે બનાસકાંઠા કલેકટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લાના અધિકારી- પદાધિકારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં નિરામય ગુજરાત અંતર્ગત આપવામાં આવનાર સારવાર અંગે ચર્ચા કરવામાં આવી હતી.
 
અત્રે ઉલ્લેખનીય છે કે, ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી- બનાસકાંઠા, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્યના ઉપક્રમે યોજાનાર લોકોના આરોગ્યની સુખાકારી માટેના નિરામય ગુજરાત મહાઅભિયાનના મેગા હેલ્થ કેમ્પમાં તા.૧૨/૧૧/૨૦૨૧, શુક્રવારે સવારે ૯-૦૦ થી ૫-૦૦ વાગ્યા સુધી જી. ડી. મોદી કોલેજ કેમ્પસ, પાલનપુર ખાતે લોહીનું ઉંચુ દબાણ (હાઇપરટેન્શન), મધુપ્રમેહ(ડાયાબીટીસ), મોંઢા/સ્તન/ગર્ભાશયના મુખનું કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ(એનેમિયા) અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરવામાં આવશે.
 
આ નિઃશુલ્ક મેગા હેલ્થ કેમ્પમાં નીચે જણાવ્યા મુજબના નિષ્ણાં ત તબીબી ર્ડાક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ દ્વારા સેવાઓ અપાશે. જેમાં એમ.એસ. જનરલ સર્જન, સર્જીકલ ઓન્કોલોજીસ્ટ, મેડીકલ ઓફિસર, ડેન્ટલ સર્જન (દાંત રોગ નિષ્ણાત), એમ.ડી. ફિજીશીયન, માનસિક રોગ નિષ્ણાંત, ગાયનેક ઓન્કોલોજીસ્ટ, એમ.એસ. ગાયનેક (સ્ત્રી રોગ નિષ્ણાંત) એમ.એસ.ઇ.એન.ટી.સર્જન (કાન, નાક, ગળાના સર્જન) એમ.ડી. ડર્મેટોલોજીસ્ટ (ચામડી રોગ નિષ્ણાંત) ર્ડાકટરો વિનામૂલ્યે સેવાઓ આપશે. 
 
આ ઉપરાંત વિવિધ લેબોરેટરી તપાસ તેમજ અન્ય સુવિધાઓ મળશે. લોહીની તપાસ, હિમોગ્લોબિન તપાસ, બ્લડ સુગર, સિરમ ક્રિએટીન, બ્લડ યુરીયા, યુરીન સુગર, આલ્ફ્યુમિન, લિપીડ પ્રોફાઇલ, લીવર ફંક્શન ટેસ્ટ, સીરમ કેલ્શીયમ, ઇ.સી.જી. તપાસ, બી.એમ.આઇ. તપાસ, મેમોગ્રાફી તપાસ (સ્તનની તપાસ), ગર્ભાશયના મુખની વિલી ટેસ્ટ/પેપ સ્મીયર તપાસ, અલ્ટ્રા સોનોગ્રાફી તપાસ પણ વિનામૂલ્યે કરવામાં આવશે. તથા મેગા હેલ્થ કેમ્પમાં વિનામૂલ્યે દવા વિતરણ અને PMJAY- આયુષ્માન કાર્ડ પણ નિઃશુલ્ક કાઢી આપવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ નિઃશુલ્ક મેગા કેમ્પનો જિલ્લાના લોકોને લાભ લેવા બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
 
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નીલ ખરે, પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલ, જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ, જિલ્લા ભાજપ પ્રભારી નંદાજી ઠાકોર, અગ્રણીઓ સર્વ દિલીપભાઇ વાઘેલા, કનુભાઇ વ્યાસ, દશરથસિંહ સોલંકી, નિવાસી અધિક કલેકટર એ.ટી.પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.આઇ.શેખ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા. એસ.એન.દેવ, સીવીલ સર્જન ર્ડા. ભરત મિસ્ત્રી સહિત આરોગ્યના અધિકારીઓ અને સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.