બેનામી સંપત્તિઓની માહિતી આપનારને સરકાર ઈનામ આપવાની હતી, સુરતમાં આઈટી ઓફિસને 80 જેટલી અરજીઓ મળી
સરકાર દ્વારા બેનામી સંપત્તિઓની માહિતી આપનારાઓને પાંચ કરોડનું ઈનામ આપવાની જાહેરાત બાદ સુરતની IT ઓફિસમાં અરજીઓનો ઢગલો થઈ ગયો છે. 5 કરોડ કમાવવાની લાલચે માત્ર ચાર જ દિવસમાં આઈટી ઓફિસે 80 જેટલી અરજીઓ આવી ગઈ છે, જેમાં કરોડોની બેનામી પ્રોપર્ટીની માહિતી અપાયાના દાવા થઈ રહ્યા છે.સૂત્રોનું માનીએ તો, ઈન્કમ ટેક્સના અધિકારીઓએ આ અરજીઓને ચકાસવાનું શરુ કરી દીધું છે, અને તેના આધારે તપાસ પણ કરવામાં આવશે. જો કોઈ વ્યક્તિએ આપેલી માહિતી સાચી નીકળી તો તેને સરકારે કરેલી જાહેરાત અનુસાર ઈનામ પણ આપવામાં આવશે. અત્યાર સુધી બેનામી મિલ્કતોની બાતમી આપનારાને આઈટી વિભાગ દ્વારા 20 ટકા રકમ ઈનામમાં અપાતી હતી.એક આઈટી અધિકારીના જણાવ્યા અનુસાર, અરજીઓ મળવાનો સિલસિલો હજુય યથાવત છે, અને કેટલીક અરજીઓ પર કામ પણ શરુ કરી દેવાયું છે. મહત્વનું છે કે, સરકારે હજુ આ અઠવાડિયે જ જાહેરાત કરી હતી કે, બેનામી પ્રોપર્ટીની માહિતી આપનારાને પાંચ કરોડનું ઈનામ અપાશે, અને જે પણ આ માહિતી આપશે તેની તમામ વિગતો ગુપ્ત રાખવામાં આવશે.બેનામી પ્રોપર્ટી અંગે માહિતી આપનારા મોટાભાગના અંદરના લોકો અને કેટલાક કિસ્સામાં તો કુટુંબીજનો જ હોય છે. સુરતમાં આમ પણ બ્લેક મની અને બેનામી પ્રોપર્ટીની ખાસ્સી બોલબાલા છે. નોટબંધી વખતે પણ સુરતમાં અબજો રુપિયાના વહીવટ થયા હતા, અને તેમાં જ બિટકોઈનનું કૌભાંડ પણ થયું હતું જે હાલમાં જ બહાર આવ્યું છે.